બારડોલી: મંગળવારથી લોકડાઉન 4માં ઘણી છૂટછાટ શરૂ થતાં બારડોલી શહેર અને તાલુકાનાં ગામડાઓમાં સવારથી જ લોકોની ભીડ જામી હતી. શહેરના મુખ્ય માર્ગો ટ્રાફિકથી ધમધમી ઉઠ્યા હતા.શાકભાજી ઉપરાંત પાન,કપડાં,મોબાઇલ સહિતની દુકાનો,હેર સલૂન તેમજ ઓફિસો પણ અડધા સ્ટાફ સાથે શરૂ થતાં કોરોનાના ડર વચ્ચે શહેર જાણે ફરી ધબકતું થયું હતું.
સુરત જિલ્લો રેડ ઝોનમાં આવતો હોય બારડોલીમાં માત્ર એક જ કેસ હોવા છતાં લોકડાઉનનો કડક અમલ થઈ રહ્યો હતો.શાકભાજી અને આવશ્યક ચીજો સિવાયની દુકાનો બંધ રખાવમાં આવી હતી.દરમ્યાન સોમવારના રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કન્ટેઇન્મેન્ટ અને નોનકન્ટેઇન્મેન્ટ ઝોનના આધારે છૂટછાટ આપવાની જાહેરાત કરાય હતું.આથી બારડોલીમાં તાઈવાડ સિવાય સમગ્ર શહેરનો નોનકન્ટેઇન્મેન્ટ ઝોનમાં સમાવેશ થતો હોવાથી મોટાભાગની દુકાનો મંગળવારથી ખૂલી ગઈ હતી.બે મહિના બાદ ખુલેલી દુકાનોને કારણે પ્રથમ દિવસે લોકોએ સફાઈ કર્યા બાદ ધંધા વ્યવસાય શરૂ કર્યા હતા.ખાસ કરીને કપડાં,પાન,મોબાઇલ ફોન,હેર સલૂનમાં લોકોની ભારે ભીડ ઉમટી પડી હતી.રસ્તા પર અચાનક વાહન વ્યવહાર વધી જવા અને આડેધડ પાર્કિંગને કારણે ટ્રાફિક જામની પરિસ્થિતી પણ સર્જાય હતી.બે મહિના સુધી ઘરમાં ગોંધાય રહેલા લોકો કપડા સહિતની ખરીદી કરવા માટે નીકળી પડ્યા હતા. બે સવારી સાથે શહેરમાં રીક્ષાઓ પણ ફરતી થઈ હતી.ખરીદતી વખતે કેટલાક વિસ્તારમાં લોકોએ લોકડાઉનનું પાલન કર્યું તો ક્યાંક સોશિયલ ડિસ્ટન્સિંગનો અભાવ જોવા મળ્યો હતો.તો કેટલાક દુકાનદારો ખરીદી માટે આવતા લોકોની ભીડ ન થાય તે માટે ખાસ તકેદારી રાખી રહ્યા છે.