– ગુજરાત સરકારે છેલ્લા 100 દિવસમાં કયા કામ કર્યાં તેની જાહેરાતો શરુ કરી દીધી
– કેટલાક જિલ્લાઓમાં નવા પ્રમુખોની નિમણૂંક કરી દેવામાં આવી
અમદાવાદ,તા. 12 એપ્રિલ 2023, બુધવાર : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખીયો જંગ ખેલાયો હતો.જેમાં ભાજપે 156 બેઠકો મેળવીને રેકોર્ડબ્રેક જીત મેળવી હતી. ત્યારે હવે આગામી સમયમાં યોજાનાર લોકસભાની ચૂંટણીને લઈને ભાજપે તૈયારીઓ શરૂ કરી દીધી છે. 2024ની લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની 26 બેઠકો પર જંગી લીડથી વિજય મેળવવા હવે ભાજપે કમરકસી છે.ગુજરાત સરકારે છેલ્લા 100 દિવસમાં કયા કામ કર્યાં તેની જાહેરાતો શરુ કરી દીધી છે.
સીએમ ભૂપેન્દ્ર પટેલ 33 જિલ્લાનો પ્રવાસ કરશે
ભાજપે ગુજરાતના સંગઠનમાં પણ અનેક ફેરફારો કર્યાં છે.કેટલાક જિલ્લાઓમાં નવા પ્રમુખોની નિમણૂંક કરી દેવામાં આવી છે.બીજી તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ 33 જિલ્લાઓનો પ્રવાસ કરશે. પ્રદેશ ભાજપ અધ્યક્ષના વન ડે વન ડિસ્ટ્રિક કાર્યક્રમની સફળતા બાદ આ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે.લોકસભાની તમામ 26 બેઠક પર વિક્રમી લીડ મેળવવાની રણનીતિના એક ભાગ રૂપે જિલ્લાનો પ્રવાસ કરાશે.
કોંગ્રેસે આદિવાસી સમાજનો મત માટે ઉપયોગ કર્યો
ગઈકાલે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે અનુ.જાતિ મોરચાની પ્રદેશ કારોબારી બેઠકમાં સંબોધન કરતા જણાવ્યું હતું કે, લોકસભાની ચૂંટણીમાં આપણો ટાર્ગેટ છે કે દરેક બેઠક પાંચ લાખ મતોથી જીતવાની છે.વિઘાનસભાની બે બેઠકો દાંતા અને ખેડબ્રહ્મા હારી ગયા તેનો અફસોસ છે.નવા ચૂંટાયેલા ધારાસભ્યઓ દ્વારા આદિવાસી સમાજને કેન્દ્ર અને રાજય સરકારની દરેક યોજનાનો લાભ મળે તે માટે પ્રયાસ કરવામાં આવે.કોંગ્રેસે આજદીન સુઘી મહત્વના પદ પર આદિવાસી સમાજને જવાબદારી આપી નથી.કોંગ્રેસે આદિવાસી સમાજનો ઉપયોગ ફકત મતદાર તરીકે કર્યો છે.લોકસભા ચૂંટણીમાં પાર્ટીના ઉમેદવારને જંગી મતોથી જીતાડવા પ્રયાસ કરજો.