લખનૌ : તા.26.જૂન.2022 રવિવાર : લોકસભાની પેટા ચૂંટણીના આજે જાહેર થઈ રહેલા પરિણામોમાં યુપીમાં ભાજપે મોટી ઉલટફેર નોંધાવી છે.કારણકે સમાજવાદી પાર્ટીનો ગઢ મનાતી લોકસભાની આ બંને બેઠકો પર ભાજપે જોરદાર દેખાવ કર્યો છે.તેમાં પણ રામપુર બેઠક માટેનું પરિણામ જાહેર થઈ ગયુ છે અને આ બેઠક પર ભાજપના ઉમેદવાર ઘનશ્યામ સિંહ લોધીએ સમાજવાદી પાર્ટીના ઉમેદવાર આસીમ રજાને 42,000 મતોથી પરાજય આપ્યો છે.
આ બેઠક સપા નેતા આઝમ ખાનનો ગઢ મનાય છે.2019માં રામપુર લોકસભા બેઠક પર આઝમ ખાન જ ચૂંટણી લડ્યા હતા અને 2022માં તેઓ વિધાનસભા ચૂંટણી લડીને આ મત વિસ્તારમાંથી જિત્યા હતા. ધારાસભ્ય બન્યા બાદ તેમણે સાંસદ તરીકે રાજીનામુ આપ્યા બાદ આ બેઠક ખાલી પડી હતી.જેના પર તેમણે પોતાના સમર્થક આસીમ રજાને ઉતાર્યા હતા.આઝામ ખાન પોતે જ પ્રચાર કરી રહ્યા હતા છતા પણ આ બેઠક સપાએ ગુમાવી છે.બીજી તરફ આઝમગઢ બેઠક પર ભાજપના ઉમેદવર દિનેશલાલ યાદવ નિરહુઆએ 14000 મતની સરસાઈ મેળવી લીધી છે.આ સાથે જ તેમની જીતની સત્તાવાર જાહેરાત જ બાકી છે.આ બેઠક પર મતગણતરીની શરુઆતમાં સપાના ઉમેદવાર આગળ હતા પણ જેમ જેમ મતગણતરી આગળ વધી રહી હતી તેમ તેમ નિરહુઆએ ધર્મેન્દ્ર યાદવને પાછળ છોડવા માંડ્યા હતા.

