ગાંધીનગર : હાર્દિક પટેલે રાષ્ટ્રપ્રેમ અને દેશ,ગુજરાત,સમાજની સેવા માટે ભાજપમાં પ્રવેશ કર્યો હોવાનું જાહેર કર્યું હતું.ભગવો ખેસ ધારણ કર્યા બાદ મીડિયાને સંબોધનમાં હાર્દિકે પાટીદાર અનામત આંદોલનના આરંભથી જાન્યુઆરી,૨૦૧૯માં ગુજરાત સહિત દેશભરના આર્થિક રીતે બિન અનામત એવા નબળાં વર્ગના લોકો માટે ૧૦ ટકા આર્થિક રીતે નબળા વર્ગ(EBC)ની જાહેરાત થઇ ત્યાં સુધીના ઘટનાક્રમમાં શાસક પક્ષ ભાજપ સરકાર,નેતાઓ માટે કરેલા વાણી અને વર્તન માટે માફી માગવાનો ઈનકાર કરતા કહ્યું કે,‘સમાજના લોકો માટે આંદોલન કર્યું હતું,મારા વ્યક્તિગત સ્વાર્થ માટે આંદોલન નહોતું,જનહિતના આંદોલનની આક્રમક્તાને કારણે આજે ૧૦ ટકા આર્થિક અનામતનો લાભ પાટીદાર સહિત વાણિયા,બ્રાહ્મણ,રજપૂત સહિતના વર્ગો તેમજ દેશના જુદા જુદા રાજ્યોમાં વસતા આવા લોકોને મળ્યો છે.ગુજરાતમાં તો યુવા સ્વાવલંબન યોજના બિન અનામત આયોગ જેવા નિર્ણયો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્ત્વમાં રાજ્ય સરકારે કર્યા છે એનો લાભ લાખો લોકોને મળી રહ્યો છે.દરમિયાન હાર્દિકના ભાજપ પ્રવેશનો વિરોધ કરવા એક યુવાને કમલમ બહાર હાર્દિક પર સ્યાહી ફેંકવાનો પ્રયાસ કર્યો હતો,પરંતુ પોલીસે નિષ્ફળ બનાવી યુવકને ઝડપી લીધો હતો.
માફી અંગે વારંવાર પૂછાયેલા પ્રશ્નના ઉત્તરમાં હાર્દિકે સાત વખત‘જનહિતનું આંદોલન હતું.’એમ કહી જવાબ આપવાનું ટાળ્યું હતું.આ જ રીતે પોતાના ભાષણોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ વિશેના વાંધાજનક ઉચ્ચારણો અને આંદોલનને કારણે પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબહેન પટેલના રાજીનામાને લગતા પ્રશ્નોના ઉત્તરમાં પણ હાર્દિકે કહ્યું કે,‘ઘરનો દીકરો પોતાના મા-બાપ પાસે જ કોઇ માગણી કરે.એમ અમે યુવાનોએ જનહિત માટે આંદોલન શરૂ કર્યું હતું,જનતાએ ભાજપની સરકાર ચૂંટણી હતી એટલે સ્વાભાવિક સરકાર પાસેથી અપેક્ષા હોય,એ નાતે આંદોલનની આક્રમક્તા હોય એમાં જનહિત જ હતું એટલે તો સરકારે જ જનહિતના નિર્ણયો કર્યા અને આંદોલનને સમાપ્ત પણ કરાવ્યું હતું.’
‘આંદોલનના કારણે જાન્યુઆરી,૨૦૧૯માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદમાં બંધારણમાં સુધારો કરી ૧૦ ટકા આર્થિક નબળાં વર્ગના લોકો માટે અનામત જાહેર કરી એ સાથે જ અમે આંદોલન સમાપ્ત જાહેર કર્યું હતું.’હાર્દિકે કહ્યું કે,એ વખતના મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે ૧૦૦૦ કરોડનું યુવા સ્વાવલંબન યોજના,બિન અનામત આર્થિક આયોગ જાહેર કર્યું હતું.તેમણે કહ્યું કે,કોંગ્રેસમાં હોવા છતાં સંસદમાં ૩૭૦ કલમ દૂર કરવા, સીએએ હોય કે રામ મંદિર નિર્માણની વાત હોય,કોંગ્રેસમાં પદ પર હોવા છતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિતભાઇ શાહનો આભાર માન્યો હતો.૧૪ પાટીદાર યુવા શહીદ થયા એની જવાબદારી કોની?તેના સંદર્ભે હાર્દિકે કહ્યું કે,આંદોલનમાં દરેકની ભૂમિકા હોય છે.જનહિતના આંદોલનમાં હું નવ મહિના જેલમાં રહ્યો,રાજદ્રોહના બે કેસ,અન્ય ૩૨ કેસ મારી સામે થયા છે અન્ય યુવાનો પણ જેલમાં ગયા હતા.આખરે સમાજને આંદોલનથી લાભ થયો છે.આનંદીબેન પટેલ તો મારા ફઇબા થાય!