સુરત : લોક તોડયા વિના બાઈક ચોરી ટેમ્પોમાં મૂકી ભંગારની દુકાને લઈ જઈ પાર્ટસ છુટા પાડી વેચતા બે યુવાન અને ભંગારના વેપારીને સલાબતપુરા પોલીસે ઝડપી પાડી તેમની પાસેથી 6 બાઈક અને પાર્ટસ કબજે કરી પાંચ ગુનાનો ભેદ ઉકેલ્યો હતો.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ હેડ કોન્સ્ટેબલ ભુપેન્દ્રભાઈ અને વિજયભાઈને મળેલી બાતમીના આધારે સલાબતપુરા પોલીસ મથકના પીએસઆઈ પી.વાય.ચિત્તે અને ટીમે ચા ની દુકાન ચલાવતા તૌસીફ છોટુભાઇ શેખ(ઉ.વ.31,રહે.પ્લોટ નં.8,આમીના મસ્જીદની બાજુમાં,રતનજી નગર,લીંબાયત,સુરત),મોહમદ અસ્લમ મોહમદ ઇદરીશ અંસારી(ઉ.વ.38,રહે.પ્લોટ નં.294,ગલી નં.5,મહાપ્રભુનગર, લીંબાયત,સુરત)અને ભંગારના વેપારી કલીમ શેખ સલીમ(ઉ.વ.35,રહે.પ્લોટ નં.328,ગલી નં.9,ક્રાંતિનગર,મીઠીખાડી,લીંબાયત,સુરત.મુળ રહે.નેહાલનગર,તા.માલેગાવ,જી.નાસીક,મહારાષ્ટ્ર)ને ઝડપી પાડી તેમની પાસેથી 6 બાઈક અને તેના પાર્ટસ કબજે કર્યા હતા.
પોલીસે તેમની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે પિતાની બિમારીને લીધે આર્થિક તકલીફમાં મુકાયેલા તૌસીફે અસ્લમ અને કલીમ સાથે મળી બાઈકની ચોરી કરી તેના પાર્ટસ છુટા પાડી વેચવાનું શરૂ કર્યું હતું.તે માટે તેઓ દિવસે ગેરેજની રેકી કરી વહેલી સવારે ભંગારના વેપારીના બે ટેમ્પોમાંથી કોઈક એક ટેમ્પો લઈ જતા અને લોક તોડયા વિના બાઈક ચોરી ટેમ્પોમાં મૂકી ભંગારની દુકાને લઈ જઈ પાર્ટસ છુટા પાડી વેચતા હતા.તેમની પુછપરછમાં સલાબતપુરા પોલીસ મથકના પાંચ ગુનાનો ભેદ ઉકેલાયો છે.