સુરતમાં ભાજપના સાંસદ દર્શના જરદોશ રેલવે અને ટેકસટાઇલ રાજ્ય મંત્રી બન્યા પછી પહેલીવાર આવ્યા હોવાના કારણે ભાજપના કાર્યકર્તાઓ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું અને એક જન આશીર્વાદ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.જન આશીર્વાદ યાત્રા દરમિયાન સુરતના ચોક બજાર વિસ્તારની જૂની સિવિલ હોસ્પિટલ પાસે રોડ પર ટ્રાફિક જામ થઈ ગયો હોવાના કારણે પોલીસકર્મીઓને ભાજપના કોર્પોરેટરો અને કાર્યકર્તાઓને રસ્તા પરથી ખસી જવા માટે કહ્યું હતું પરંતુ કાર્યકર્તાઓ કોઈ કારણસર ન ખસ્યા હતા.પોલીસે કાર્યકર્તા સાથે અમાનવીય વર્તન કરી બોલાચાલી કરી તેમને અપમાનિત કર્યા હતા.જોકે આ બાબતે ધારાસભ્ય હર્ષ સંઘવીએ પોલીસકર્મીના વર્તનને લઈને પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી.
આ મામલે એક ખાનગી પોર્ટલને દ્વારા ધારાસભ્ય હર્ષ સંઘવીનો સંપર્ક સાંધતા તેમને નિવેદન આપ્યું હતું કે, જન આશીર્વાદ યાત્રા દરમિયાન કાર્યકર્તાઓ અલગ-અલગ વાહનો લઈને આવતા હોય અને તેઓ પોતાના વાહનો સાઇડ પર રાખીને તેમાંથી ઊતરતાં હોય છે ત્યારે પોલીસ દ્વારા તેમની સાથે અમાનવીય વર્તન કરવામાં આવ્યું હતું.તેમને ઊંચા અવાજે તોછડાઈ ભર્યા શબ્દો બોલ્યા હતા.તેથી આ બાબતે પોલીસ કમિશનરને પણ રજૂઆત કરવામાં આવી છે કે પોલીસ જનતા સાથે આ પ્રકારે હલકી ભાષાનો ઉપયોગ કરે તે યોગ્ય નથી.તો બીજી તરફ આ ઘટનાને લઇને અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનના PIએ જણાવ્યું હતું કે, પોલીસના ગેરવર્તણૂક બાબતે ખબર નથી.જૂની સિવિલ પાસે PSI અને ડી સ્ટાફનો બંદોબસ્ત હતો.
મહત્ત્વની વાત છે કે, ભાજપના કાર્યકર્તા અને અમુક કોર્પોરેટર સાથે પોલીસે માત્ર ઊંચા અવાજે વાતો કરી ત્યાં રજૂઆત ધારાસભ્ય પોલીસ કમિશનર સુધી કરી દીધી પરંતુ પોલીસ દ્વારા રોજબરોજ સામાન્ય જનતા સાથે આ પ્રકારનું વર્તન કરવામાં આવતું હોય તેવા ઘણા કિસ્સાઓ સામે આવે છે.તો કેટલાક કિસ્સામાં પોલીસકર્મીઓ નિર્દોષ વ્યક્તિને માર માર્યો હોવાના કિસ્સાઓ પણ સામે આવે છે.લોકોની રજૂઆત પોલીસ કમિશનર સુધી આટલી જલ્દી પહોંચી નથી પરંતુ રાજકીય પક્ષના લોકોને પોલીસ હેરાન ગતિ કરે અથવા તો થોડા પણ ઊંચા અવાજે તેમની સાથે વાત કરે તો તાત્કાલિક પોલીસ અધિકારીઓને આ બાબતે ધારાસભ્યો કે પછી પાર્ટીના નેતાઓ તાત્કાલિક રજૂઆત કરે છે.
અત્રે નોંધનીય છે કે મજુરા વિધાનસભાના MLA હર્ષ સંઘવીનો ભૂતકાળમાં પણ પાર્લે પોઇન્ટ વિસ્તારમાં પોલીસ સાથે ઝગડો થયો હતો અને તે વિડિઓ પણ વાઇરલ થયો હતો.પોલીસ જયારે કાયદો વ્યવસ્થા સાચવે છે ત્યારે સહકાર આપવો દરેક ભારતીય નાગરિક અને ખાસ કરીને નેતાઓએ પણ સહકાર આપવો જોઈએ પણ જાણ પ્રતિનિધિને જયારે રાજકારણનો તાવ ચડે ત્યારે ત્યારે આવી પરિસ્થિતિ ઉદભવતી હોઈ છે જેનો તાદ્દશ નમૂનો વધુ એકવાર હર્ષ સંઘવીએ પૂરો પાડ્યો છે.અગાઉ પણ પોલીસ સાથે ધારાસભ્ય હર્ષ સંઘવીનું ઘર્ષણ થઇ ચૂક્યું છે .