– વિપક્ષના નેતા શહેઝાદખાન અને કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર પર તાંત્રિક વિધિ કરવા ઓડિયો વાઇરલ
– વાઇરલ ઓડિયોમાં દાણીલીમડાના જમના વેગડા અને તાંત્રિક મહિલા વાતચીત કરતા હોવાની ચર્ચા
– સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી ઓડિયો ક્લિપની દિવ્યભાસ્કર પુષ્ટી કરતું નથી
અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણ અને દાણીલીમડાના કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર પર તાંત્રિક વિધિ કરવા માટે દાણીલીમડાના જ મહિલા કોર્પોરેટર દ્વારા તાંત્રિક સાથે વાતચીત કરતી ઓડિયો ક્લિપ વાઇરલ થઈ છે.વાઇરલ ઓડિયો ક્લિપમાં શૈલેષ પરમાર પર તાંત્રિક વિધિ કરવામાં આવી હોવાનું હોવાનું કહે છે.મહિલા કોર્પોરેટર જમના વેગડા અને મહિલા તાંત્રિક વચ્ચેનો આ ઓડિયો ક્લિપ હોવાની ચર્ચા છે.આ સમગ્ર મામલે કોંગ્રેસ પક્ષે ગંભીર નોંધ લીધી છે.પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે ઓડિયો ક્લિપ મામલે તપાસ માટેના આદેશ આપ્યા છે.
શહેજાદને વિપક્ષના નેતા બનાવવા મામલે વિવાદ થયો હતો
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કોંગ્રેસ પક્ષના 10 જેટલા કાઉન્સિલરોએ આજે કોંગ્રેસ ભવન ખાતે પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરને મળીને રાજીનામા આપી દીધા હતા.પાર્ટી દ્વારા શહેજાદ ખાન પઠાણને વિપક્ષના નેતા તરીકે પહેલા એક વર્ષ માટે બનાવવાનો નિર્ણય લીધો હોવા સાથે 10 કાઉન્સિલરોનો વિરોધનો સૂર ઉઠ્યો હતો.જેના પગલે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિપક્ષના નેતા બનાવવા માટે આંતરિક જૂથવાદ સામે આવ્યો હતો.
‘શહેઝાદ ખાન પઠાણ મહિલાઓનું અપમાન કરે છે’
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં છેલ્લા એક વર્ષથી વિપક્ષના નેતા બનાવવા મામલે મથામણ ચાલી રહી હતી.બે આંતરિક જૂથો વચ્ચે વિપક્ષના નેતા બનવાની હોડમાં રાજીનામાનો દોર શરૂ થયો હતો. 14 કાઉન્સિલરોના જૂથમાંથી 10 જેટલા કાઉન્સિલરોએ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરને મળી અને રાજીનામાનો પત્ર આપ્યો હતો.જેના જણાવવામાં આવ્યું છે કે, કોંગ્રેસ પક્ષના તમામ કાઉન્સિલરોએ વિપક્ષના નેતા બનાવવાની આપને રજૂઆત કરી હતી.જેમા અમારી સ્પષ્ટ રજૂઆત હતી કે, દાણીલીમડા વોર્ડના કાઉન્સિલર શહેઝાદ ખાન પઠાણ મહિલાઓનું અપમાન કરી અને અસભ્ય વર્તન કરે છે.જેથી તેને વિપક્ષના નેતા ન બનાવવામાં આવે અને તેના સિવાય અન્ય કોઈપણ કાઉન્સિલરને નેતા બનાવવા માટે સંમતિ દર્શાવી હતી.


