વોશિંગ્ટન, 12 મે,2022, ગુરુવાર : અમેરિકાની નેશનલ ઓશિયાનિક એન્ડ એટમોસફેરિક એડમિનિસ્ટ્રેશન દ્વારા થયેલા એક ચોંકાવનારા સંશોધન મુજબ યુરોપ અને અમેરિકાની હવામાં પ્રદૂષક તત્વોમાં 50 ટકા જેટલો ઘટાડો થવાથી છેલ્લા બે દાયકામાં ચક્રવાત વધ્યા છે.સંશોધન મુજબ પ્રશાંત મહાસાગરમાં પ્રદૂષણ વધારે છે એટલે જ ચક્રવાતી તોફાન પણ ઓછા આવે છે.વાહનોનો એરોસોલ પ્રદૂષણ, સલ્ફરના કણો અને ચક્રવાતની હિલચાલને સિધો સંબંધ છે.એવું ઘણા સમયથી જાણવા મળે છે કે એરોસોલના પ્રદૂષણના કારણે તાપમાનમાં ઘટાડો થાય છે.ચક્રવાત આવવા માટે હવાના કારણે ગરમ થયેલા પાણીની જરુર પડે છે જે ચક્રવાતનું ઇંધણ બને છે.
હવાની ઉપરની સપાટીમાં પરીવર્તન લાવે છે.નિષ્ણાતોનું માનવું છે કે એટલાન્ટિકની સ્વચ્છ હવા અ પ્રશાંત મહાસાગરમાં ભારત અને ચીનના પ્રદૂષણથી દૂષિત બનેલી હવા ચક્રવાતોને પ્રભાવિત કરી રહી છે.છેલ્લા બે દાયકામાં નાના મોટા 200 થી વધારે ચક્રવાતો ત્રાટકયા છે.માત્ર 2021માં જ 20 થી વધારે હરિકેન ત્રાટકયા હતા.પ્રાપ્ત માહિતી મુજબ 1980ના દાયકામાં એટલાન્ટિકમાં એરોસોલ ખૂબ પ્રમાણમાં હતું જેમાં સતત ઘટાડો થઇ રહયો છે.આનો અર્થ એ છે કે જે તત્વ ગ્રીન હાઉસ ગેસની અસરને ઓછી કરતા હતા અને હવાને ઠંડી રાખતા હતા તે ઓછા થઇ રહયા છે.આથી જ તો દરિયાની સપાટીનું તાપમાન વધતું જાય છે એટલું જ નહી એરોસોલ તત્વ ઓછા હોવાથી જેટ સ્ટ્રીમ એટલે કે હવાની ઘૂમરીનો પ્રવાહ પશ્ચિમીથી પૂર્વ તરફ અને વધુ તો ઉત્તર તરફ ધકેલાય છે.
જો કે ટ્રોપિકલ તોફાનો આવવા પાછળ નિન્યા, અલનિનો જેવી ગતિવિધીઓ પણ જવાબદાર છે.ભુમધ્ય રેખા આસપાસ તાપમાનમાં ફેરફાર અને જળવાયુ પરીવર્તન પણ કારણ માનવામાં આવે છે પરંતુ એર પોલ્યૂશન નહી હોવાથી એટલાન્ટિકમાં તોફાનો વધ્યા છે તે નવી જ બાબત છે તેના પર હજુ વધુ પ્રકાશ પાડવાની જરુર છે.વોશિંગ્ટન યુનિવર્સિટીમાં પબ્લીક હેલ્થના પ્રોફેસર ક્રિસ્ટી એબીનું માનવું છે કે એટલાન્ટિકમાં ભલે હવાનું પ્રદૂષણ ઘટવાથી ચક્રવાતો વધ્યા હોય પરંતુ વાયુ પ્રદૂષણથી વર્ષે 70 લાખ લોકોના મોત થાય છે તે ભૂલવા જેવું નથી. ચક્રવાતોનું જે થવું હોય તે થાય ઉત્સર્જન ઘટાડવા પર ભાર મુકવાની જરુર છે.