ગુજરાતમાં ભલે કોરોનાનાં કેસ ઘટી રહ્યા હોય અને સામાન્ય જનતાને રાહત મળી હોય,પરંતુ બીજી તરફ રાજ્યમાં સામાન્ય વ્યક્તિને મોટો ઝટકો લાગે તેવા સમાચાર આવ્યા છે.આપ જાણતો હશો કે લગભગ રોજ પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં વધારો થઇ રહ્યો છે,ત્યારે હવે આજે રાજ્યમાં અમુક દૂધનાં ભાવમાં ભડકો થયો છે.
પહેલાથી જ પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં પિસાઈ રહેલી જનતાને આજે વધુ એક ભાવ વધારાની માર સહન કરવાનો વારો આવ્યો છે.જણાવી દઇએ કે, આજે અમુલ દૂધે લિટર દિઠ 2 રૂપિયાનો વધારો કર્યો છે.કોરોનામાં લોકોનાં ખિસ્સા પહેલાથી જ ખાલી થઇ ગયા છે.હાલમાં મોંઘવારીનાં ઊંચા દર વચ્ચે સામાન્ય માણસને ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે.ગૃહિણીઓનાં બજેટ ખોરવાઈ રહ્યાં છે ત્યારે વધુ એક વધારો પ્રજાની કમર તોડી નાખે તો નવાઇ નહી.અમૂલનાં તમામ દૂધ ઉત્પાદ અમૂલ ગોલ્ડ, અમૂલ શક્તિ,અમૂલ તાઝા,અમૂલ ટી-સ્પેશિયલ,અમૂલ સ્લિમ એન્ડ ટ્રીમમાં પ્રતિ લિટર રૂ .2 નો વધારો થશે. આપને જણાવી દઇએ કે, 1 જુલાઈથી, અમુલ દૂધ ગુજરાત સહિત દિલ્હી,એનસીઆર,મહારાષ્ટ્ર,પશ્ચિમ બંગાળ જેવા અન્ય રાજ્યોમાં મોંઘા ભાવે મળશે.લગભગ દોઢ વર્ષ બાદ અમુલ દ્વારા આ કિંમતોમાં વધારો કરવામાં આવ્યો છે.મળતી માહિતી પ્રમાણે નવી કિંમતો લાગુ થયા બાદ અમુલ ગોલ્ડનો ભાવ પ્રતિ લિટર 58 રૂપિયા થશે.