– આવકવેરા વિભાગ તમામ કરદાતાઓનો ડેટા GSTને મોકલતું હોવાથી વકીલોને નોટિસ મળી
અમદાવાદ, સોમવાર : ગુજરાત હાઇકોમાં પ્રેક્ટિસ કરતા સંખ્યાબંધ વકીલોને જી.એસ.ટી. (ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ) હેઠળ રિકવરની નોટિસ મળતા તેને હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશન દ્વારા રિટ મારફતે પડકારવામાં આવી છે.જેની આજની સુનાવણીમાં હાઇકોર્ટે જી.એસ.ટી.ની કાર્યવાહી પર સ્ટે ફરમાવ્યો છે અને ઓથોરિટને કોઇ પગલાં ન લેવા વચગાળાનો નિર્દેશ આપ્યો છે.
જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ નિશા એમ. ઠાકોરની ખંડપીઠ સમક્ષ એડવોકેટ એસોસિએશન દ્વારા કોર્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી કે જી.એસ.ટી. અને વકીલાતના વ્યવસાય વચ્ચે કોઇ સંબંધ નથી.વકીલ કોઇ વ્યક્તિ માટે કેસ લડતો હોય ત્યારે તેમાં જી.એસ.ટી. ચૂકવવાની કોઇ જોગવાઇ નથી.જો કે વકીલ કોઇ કંપની કે સંસ્થા તરફથી કેસ લડે ત્યારે જી.એસ.ટી.નો પ્રશ્ન ઉપસ્થિત થાય છે પરંતુ તેમાં પણ વકીલની ભૂમિકા નથી હોતી, કારણ કે આવાં કેસ સંબંધિત જી.એસ.ટી. જે-તે કંપની કે સંસ્થાએ ચૂકવવાનો હોય છે.
આમ છતાં ઓથોરિટી દ્વારા તેમને જી.એસ.ટી. રિકવરીની નોટિસ અપાઇ છે.આવકવેરા વિભાગ દ્વારા કરદાતાઓને ડેટા જી.એસ.ટી.ને મોકલવામાં આવે છે.જેમાં એવું કોઇ વર્ગીકરણ હોતું નથી કે કરદાતા વકીલ છે.જેથી આ નોટિસ મોકલાઇ છે.જેથી કોર્ટે આવાં વકીલો,તેમની લૉ ફર્મ અને કાયદાકીય સેવાઓ આપતી એલ.એલ.પી. સામે કોઇ પ્રતિરોધી પગલાં ન લેવા નિર્દેશ આપ્યો છે.


