અમદાવાદ : જમાલપુરમાં રહેતી ૪૧ વર્ષીય શિક્ષિકાને છુટાછેડા આપ્યા વિના જ તેના પતિએ ઘરમાં બીજી પત્નીને લાવતા ભારે હોબાળો થયો હતો.જેમાં પતિ અને નણંદે શિક્ષિકાને માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.જે અંગે ગાયકવાડ હવેલી પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે જમાલપુર બાવામિયાની ચાલીમાં રહેતા નસરીનબાનુ શેખ (ઉ.વ.૪૧) સરસપુર ઉર્દુ શાળામાં ેશિક્ષિકા તરીકે ફરજ બજાવે છે.જ્યારે તેના પતિ ઇસ્માઇલ શેખ વકીલાતનો વ્યવસાય કરે છે.પરિવારમાં તેમને એક ૧૪ વર્ષની અને એક નવ વર્ષની દીકરી છે.પતિ પત્ની વચ્ચે છેલ્લા સમયથી મનમેળ ન હોવાને કારણે પતિએ કોર્ટમાં છુટાછેડની અરજી કરી છે.ગત મંગળવારે સાંજના સમયે નણંદ ફરઝાના શેખ અને જઠાણી રેશ્મા તેના રૂમમાં આવ્યા હતા.તેમણે નસરીનબાનુને કહ્યું હતું કે તેના ભાઇ ઇસ્માઇલ શેખ નવી ભાભી લાવવાના છે.જે બાદ ઇસ્માઇલ શેખ એક મહિલાને લઇને આવ્યા હતા.જેથી નસરીનબાનુએ ઇસ્માઇલ સાથે આવેલી મહિલાને રોકીને પુછતા જાણવા મળ્યું હતું કે તેણે ઇસ્માઇલ સાથે નિકાહ કર્યા છે.જેને લઇને નસરીને કહ્યું હતું કે હજુ મારા છુટાછેડા નથી થયા જેથી આ નિકાહ કાયદેસરના નથી.આ બાબતને લઇને ઇસ્માઇલે ગુસ્સામાં આવીને નસરીન પર હુમલો કર્યો હતો તેમજ નણંદ અને જેઠાણીએ પણ માર માર્યો હતો.જે અંગે ગાયકવાડ હવેલી પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.


