દેવઘર : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ઝારખંડમાં અનેક પ્રોજેક્ટોનું અનાવરણ કર્યું હતું. જેમાં દેવઘરમાં એક એરપોર્ટને લોંચ કરવા ઉપરાંત રૂ.16,800 કરોડના નવા વિકાસલક્ષી પ્રોજેક્ટો માટે પાયાના પથ્થરો નાખવાનો પણ સમાવેશ થાય છે.મોદીએ પોતાની મુલાકાત દરમિયાન ૧૨ કિલોમીટરનો રોડ શો પણ કર્યો હતો.નરેન્દ્ર મોદીએ નવા ૬૩ એકરમાં ૪૦૧ કરોડના ખર્ચે બંધાયેલા નવા એરપોર્ટમાંથી કોલકાતા જતી ઇન્ડિગો ફ્લાઇટને લીલી ઝંડી આપી હતી.મોદીએ કહ્યું હતું કે નવા પ્રોજેક્ટોને કારણે પૂર્વ ભારતમાં વિકાસને લાંબાગાળે પ્રોત્સાહન મળશે.
વડાપ્રધાને એવું પણ ઉમેર્યું હતું કે કુલ ૧૬,૮૦૦ કરોડના પ્રોજેક્ટોને કારણે ઝારખંડની કનેક્ટિવટીને મોટું બળ મળશે તેમજ ઊર્જા,આરોગ્ય,વિશ્વાસ અને પ્રવાસન જેવા ક્ષેત્રો મજબૂત બનશે.જ્યારે સામાન્ય નાગરિકોના જીવન સુધારવા માટે પગલા લેવાય છે ત્યારે રાષ્ટ્રીય મિલ્કતો ઊભી કરાય છે અને રાષ્ટ્રીય વિકાસની નવી તકો ઊભી થાય છે.નવા પ્રોજેક્ટોથી ઝારખંડ,બિહાર અને પશ્ચિમ બંગાળને જ ફાયદો નહિ કરે,પરંતુ તેનાથી પૂર્વ ભારતમાં વિકાસને પણ ગતિ મળશે.નરેન્દ્ર મોદીએ રેલવેના બે પ્રોજેક્ટો પણ સમર્પિત કર્યા હતા.આ નવા પ્રોજેક્ટોને કારણે આ વિસ્તારમાં પ્રવાસનને વેગ મળશે.છેલ્લાં આઠ વર્ષથી રેલવે,રોડવેઝ અને એરવેઝના માળખાને મજબૂત કરવા માટે પ્રયાસો થઇ રહ્યા છે.