ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપ દ્વારા અત્યાર સુધીમાં બે યાદી જાહેર કરવામાં આવી છે.પહેલી યાદીમાં 160 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા.જેમાં વડોદરાના વાઘોડિયા વિધાનસભાના હાલના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ તથા ટિકિટ વાંચ્છું દિનેશ પટેલ (દિનુ મામા) અને સતિશ પટેલ (નિશાળીયા)નું નામ ન હોવાથી તેમણે બળવો પોકાર્યો હતો.અને અપક્ષ લડવાની જાહેરાત કરી દીધી છે.ત્યારે આ બળવાને શાંત કરવા માટે આજે ગૃહમંત્રી હર્ષ સંઘવી વડોદરા આવી પહોંચ્યા છે.હર્ષ સંઘવી બળવાખોરોના વિસ્તારના કાર્યકરોને મળશે અને તેમની સાથે ચર્ચા વિચારણા કરશે.
રાજ્યની વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોના નામ જાહેર કરતાની સાથે જ વડોદરા જિલ્લામાં ભડકો થયો હતો.છેલ્લે સુધી વિશ્વાસ જતાવતા ભાજપના વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની ટિકિટ કપાઇ હતી.જેને કારણે તેમણે ટિકિટ જાહેર કર્યાના ગણતરીના કલાકોમાં સમર્થકોની મિટીંગ બોલાવી અપક્ષ લડવાની જાહેરાત કરી દીધી હતી.તો બીજી તરફ પાદરામાંથી ભાજપના પૂર્વ ધારાસભ્ય દિનેશ પટેલ (દિનું મામા) પણ ટીકીટ નહિ મળવાને કારણે નારાજ થયા હતા.અને નામો જાહેર થયાના બીજા દિવસે અપક્ષ ઉમેદવારી કરવાની જાહેરાત કરી દીધી હતી.તેવામાં કરજણ બેઠક પરથી ટિકિટની ઇચ્છા ધરાવનારા સતિશ પટેલે પણ બળવો જાહેર કરીને અપક્ષ ઉમેદવારી કરવાની જાહેરાત કરી દીધી હતી.આ ત્રણેય પોતાના વિસ્તારમાં મજબૂત ઓળખ ધરાવતા હોવાના કારણે પાર્ટીને નુકશાન પહોંચાડી શકે તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી.
ઉતરોક્ત સ્થિતીને ધ્યાને રાખીને આજે છેલ્લી સરકારમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી વડોદરા આવી પહોંચ્યા છે.તેઓ બળવાખોરો દ્વારા ઉભી કરવામાં આવેલી સ્થિતીનું ડેમેજ કંટ્રોલ કરવામાં આવ્યા છે.સુત્રોના જણાવ્યા પ્રમાણે, તેઓ એક પણ નારાજ ધારાસભ્ય અથવાતો ટિકિટ વાંચ્છુને મળવાના નથી.તેઓ વાઘોડિયા,કરજણ અને પાદરાના કાર્યકર્તાઓ સાથે વાચતીત કરશે.અને સ્થિતીનો તાગ મેળવશે.હર્ષ સંઘવીનું વડોદરા આવી પહોંચવું બળવાખોરોને ભાજપ હળવાશમાં નથી લઇ રહ્યું તેના સંકેત છે.હવે આ મામલે આગળ શું થાય છે તેના પર સૌ કોઇની નજર રહેલી છે.
મધુ શ્રીવાસ્તવને ટિકિટ ન આપવામાં આવતા તેમનો પારો આસમાને
ભાજપ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી, તેમાં વડોદરા વાઘોડિયના દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને ટિકિટ ન આપવામાં આવતા,નેતાનો પારો આસમાને પહોંચી ગયો છે.આથી તેમણે નિર્ણય કર્યો છે કે, તે સ્થાનિક લોકો સાથે મળીને અપક્ષમાં ઉમેદવારી ફોર્મ ભરી શકે છે.તેમણે કહ્યું કે, કાર્યકર્તાઓ કહેશે તો હુ અપક્ષ દાવેદારી કરીશ.
પાર્ટીને ફરી વિચાર કરવા પણ જણાવ્યું હતું
વડોદરામાં દબંગ ધારાસભ્યની છાપ ધરાવનાર વાઘોડિયા બેઠકના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ અવારનવાર પોતાના વિવાદાસ્પદ નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે.જેઓને ભાજપ દ્વારા ટિકિટ આપવામાં ન આપી,જિલ્લા પ્રમુખ અશ્વિન પટેલને ટિકિટ આપતા મામલો ગરમાયો હતો.કાલે સાંજે મહાદેવ તળાવ પાસે મધુ શ્રીવાસ્તવની ઓફિસમાં બેઠક યોજાઈ હતી.જે બેઠકમાં મધુ શ્રીવાસ્તવ અપક્ષ ઉમેદવારી નોંધાવશે તેવો નિર્ણય લેવાયો હતો.તેમણે વધુમાં કહ્યું કે, પાર્ટીએ વર્ષો સુધી કામ કર્યું પરંતુ પાર્ટીએ મારી કદર કરી નહીં.કાર્યકરો સાથેની બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.હાલ તેમણે પાર્ટીને ફરી વિચાર કરવા પણ જણાવ્યું હતું.