પોલીસ વિભાગ દ્વારા ગમે તેટલી માર્ગ સલામતી અંગે જાગૃતિ લાવવામાં આવે છતાં ગમખ્વાર અકસ્માતો અવાર નવાર બનતી રહે છે.આજે વડોદરામાં દરજીપુરા ફાયર સ્ટેશન પાસે સવારે છકડા અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો છે.જેમાં છકડો ચગદાઇ ગયો છે.અકસ્માતમાં ટ્રેલર રસ્તા પરથી નીચે ઉતરીને દિવાલમાં ભટકાયું હોવાનું દેખાયું છે.આ અકસ્માતમાં છકડામાં જઇ રહેલા 6 થી વધુ લોકોને અતિ ગંભીર હાલતમાં એસએસજી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. જેમાં 2 બાળકો સહિત 5 ના મોત થયાનું સામે આવ્યું છે.હજી પણ ચગદાઇ ગયેલા છકડામાંથી લોકોને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે.આ લખાઇ રહ્યું છે ત્યારે કુલ 9 લોકોના મોતના સમાચાર પ્રાપ્ત થયા છે.ઘટનામાં મૃત્યુઆંક વધવાની સંભાવના છે.
વડોદરામાં આજે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. ગોલ્ડન ચોકડી તરફથી દરજીપુરા તરફ આવવાના રસ્તે ટ્રેલર અને મુસાફરો ભરેલા છકડા વચ્ચે અકસ્માત સર્જાયો છે.અકસ્માત એટલે ગમખ્વાર હતો કે, આખેઆખો છકડો ચગદાઇ ગયો હતો.એટલું જ નહિ અકસ્માત બાદ ટ્રેલર પણ એરફોર્સની દિવાસમાં જઇને ભટકાયો છે.ઘટનામાં મુસાફરો છકડામાં દબાઇને પડ્યા હતા.ઘટના અંગે જાણ થતા જ ફાયરના લાશ્કરોએ સ્થળ પર પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી છે.
હાલ પ્રાપ્ત વિગતો પ્રમાણે 6 જેટલા છકડાના મુસાફરોને વારાફરથી ગંભીર હાલતમાં એસએસજી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા છે.તે પૈકી 2 બાળકો સહિત 5 ના મોત થયા છે.તો બીજી તરફ હજી પણ દબાયેલા મુસાફરોને બહાર કાઢવાની કામગીરી સ્થળ પર ચાલી રહી છે.સમગ્ર કામગીરીમાં એરફોર્સના જવાનો,ફાયરના જવાનો,ક્રેઇન તથા સ્થાનિકો જોડાયા છે.ટ્રેલર રોંગ સાઇડ આવતું હોવાનું પ્રાથમિક અનુમાન લગાડવામાં આવી રહ્યું છે.આ ઘટનામાં ગંભીર ઇજાગ્રસ્તોની સંખ્યામાં વધારો થઇ શકે છે.