વડોદરામાં પાલિકાના મેયર સહિતના નવા પદાધિકારીઓની વરણી કરવામાં આવી છે.જેમાં સવારે મેયર,ડે.મેયર,સાશક પક્ષના નેતા તથા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના નામોની જાહેરાત કરવામાં આવી છે.અને દંડકના નામની પસંદગી થોડાક સમય માટે મુલતવી રાખવામાં આવી છે.ત્યારે મોડે મોડે પરંતુ લોકપ્રિય કોર્પોરેટર શૈલેષ પાટીલની દંડક પદે જાહેરાત કરવામાં આવતા સમર્થકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
વડોદરામાં આજે પાલિકામાં નવા બોર્ડ એટલેકે પદાધિકારીઓના નામોની જાહેરાત કરવામાંં આવી છે.જે આગામી અઢી વર્ષ સુધી પાલિકાનું તંત્ર સંભાળશે.આગામી અઢી વર્ષ સુધી શહેરના મેયર તરીકેનું સુકાન પિંકી બેન ને સોંપવામાંં આવ્યું છે.આ સાથે જ પાલિકાના મહત્વના પદ પર અન્ય પદાધિકારીઓના નામોની પણ જાહેરાત કરવામાં આવી છે.આ સાથે જ ડે.મેયર તરીકે ચિરાગ બારોટ,સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે ડો.શિતલ મિસ્ત્રી અને પક્ષના નેતા તરીકે મનોજ પટેલની નિમણુંક કરવામાં આવી છે.જો કે, આ સાથે જ દંડકના નામની જાહેરાત કરવામાં આવી ન હતી. જેને લઇને લોકોમાં અસમંજસનો માહોલ હતો.
બીજી તરફ મેયરે સત્તાવાર રીતે પદભાર સંભાળ્યા બાદ બપોરે ભાજપ દ્વારા દંડક તરીકે લોકપ્રિય યુવા નેતા અને કોર્પોરેટર શૈલેષ પાટીલના નામની જાહેરાત કરી છે.જેને કારણે તેમના સમર્થકોમાં ભારે ઉત્સાહની લાગણી જોવા મળી રહી છે.શૈલેષ પાટીલ તેમના દિવસ રાત જોયા વગર તેમના વિસ્તારની સમસ્યાનો ઉકેલ લાવવા માટે જાણીતા છે.જેને કારણે તેમની લોકપ્રિયતામાં ઉત્તરોત્તર વધારો જોવા મળી રહ્યો છે.તેમને દંડક બનાવવામાં આવતા સમર્થકોમાં તહેવાર જેવી ખુશી અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે.