– નારાજ સભ્યોને સમજાવવા ગયેલા ગૃહમંત્રી હર્ષ સંઘવી વિલા ચહેરે પાછા ફર્યાં
વડોદરા : ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના નામો જાહેર થયા બાદ વડોદરા જિલ્લા સહિત આસપાસના કેટલાક મત વિસ્તારમાં બળવાની પરિસ્થિતિનું નિર્માણ થઇ ચૂક્યુ છે.બળવો દબાવી દેવા માટે ડેમેજ કંન્ટ્રોલ ટીમ સક્રિય બની છે.વડોદરા અને નર્મદા જિલ્લાના ડેમેજ કંન્ટ્રોલ માટેની જવાબદારીના ભાગરૂપે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી સહિત સંગઠનની ટીમે વડોદરા જિલ્લાના વાઘોડિયા,પાદરા,કરજણ તથા નર્મદા જિલ્લાના નાંદોદના આગેવાનોની સાથે ચર્ચા કરી હતી.અલબત્ત આ વિસ્તારના બળવાખોર મનાતા ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ,પૂર્વ ધારાસભ્ય સતીષ નિશાળિયા તથા દીનુમામા સાથે કોઇ જ વાતચીત કરવામાં આવી નથી કે તેઓને વાતચીત માટે બોલાવવામાં આવ્યા ન હોવાનું તેમના સમર્થકો દ્વારા કહેવામાં આવી રહ્યુ છે,જ્યારે હર્ષદ વસાવાના સમર્થકોનો આક્રમક મિજાજ જોતાં તે વિસ્તારમાં ડેમેજ કંટ્રોલ ટીમે મળવાનું જ ટાળ્યુ હોવાનું જાણવા મળે છે.
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કાર્યકરો અને આગેવાનોમાં જુસ્સો લાવવા માટે જણાવ્યુ હતુ કે, ફોર્મ ભરતાની સાથે જ વિરોધીઓ વિસ્તાર છોડીને જતા રહે તેવી રેલી કાઢજો,ભાજપ આપણી માં છે,ભાજપે આપણને સૌને ઓળખ આપી છે તે ભુલતા નહી, તારીખ ૧૫ થી ૮ સુધી વિસ્તારમાં ફરીને પાર્ટી તોડનારા લોકોને શોધી શોધીને તેમનો હિસાબ કરવાનું ચુકતા નહીં,ભાજપ અને ગુજરાતની જનતા ન હોય તો મારી અને તમારી કોઇ ઓળખ નથી.આમ આદમી પાર્ટી પર નિશાન સાધતાં તેમણે જણાવ્યુ હતું કે, ઇમાનદારી અને ગરીબોની વાતો કરનારા લોકો હવાલાથી રૂપિયા મોકલીને ગુજરાતનો માહોલ બગાડવાની કોશિશ કરી રહી છે, આ બાબતથી ચેતવુ પડશે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપ દ્વારા અત્યાર સુધીમાં બે યાદી જાહેર કરવામાં આવી છે.પહેલી યાદીમાં ૧૬૦ ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા.જેમાં વડોદરાના વાઘોડિયા વિધાનસભાના હાલના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ તથા ટિકિટ વાંચ્છું દિનેશ પટેલ (દિનુ મામા) અને સતિશ પટેલ (નિશાળીયા)નું નામ ન હોવાથી તેમણે બળવો પોકાર્યો હતો.તેઓ ભાજપના સત્તાવાર ઉમેદવાની સામે જ ચૂંટણી લડી રહ્યા હોવાની જાહેરાત કરી દીધી છે.તેમની સાથે કેટલાક તેમના સમર્થકો પણ ભાજપને જડબાતોડ જવાબ આપવાના મૂડમાં આવી ગયા છે. આ બળવાને શાંત કરવા માટે આજે ગૃહમંત્રી હર્ષ સંઘવી વડોદરા આવી પહોંચ્યા હતા.
હર્ષ સંઘવી બળવાખોરોના વિસ્તારના કાર્યકરોને અને આગાવાનોને મળ્યા હતા.કરજણ મત વિસ્તાર,વાઘોડિયા મત વિસ્તારમાં પારૂલ યુનિ. ખાતે, પાદરા મત વિસ્તારમાં કરખડી ખાતે તથા નાંદોદ મત વિસ્તારમાં આગેવાનોની સાથે વર્તમાન સ્થિતીની ચર્ચા કરીને ભાજપના ઉમેદવારનો કામે લાગી જવા માટે હાકલ કરી હતી.જ્યારે બળવાખોરોને સાનમાં રહેવાનો સંદેશ આપ્યો હતો.કરજણ ખાતે બળવાખોર સતીષ પટેલ તથા પાદરા મત વિસ્તારના દીનુમામાના સમર્થકોએ સાફ જણાવ્યુ હતુ કે, પાર્ટીના આગેવાનો તરફથી વાતચીત માટે કોઇ જ સંદેશ આવ્યો નથી.બીજી તરફ નાંદોદ ખાતે હર્ષદ વસાવાના ટેકેદારોનો મિજાજ જોઇને ગુપ્તચરો તરફથી ગૃહ રાજ્ય મંત્રીને સંદેશ આપી દેવામાં આવ્યો હતો કે, તેઓ બેઠકના સ્થળે આવશો તો કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી ખોરવાશે.
ભાજપે ઉમેદવારોના નામ જાહેર કરતાની સાથે જ વડોદરા જિલ્લામાં ભડકો થયો હતો.છેલ્લે સુધી વિશ્વાસ જતાવતા ભાજપના વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની ટિકિટ કપાઇ હતી.જેને કારણે તેમણે ટિકિટ જાહેર કર્યાના ગણતરીના કલાકોમાં સમર્થકોની મિટીંગ બોલાવી અપક્ષ લડવાની જાહેરાત કરી દીધી હતી.તો બીજી તરફ પાદરામાંથી ભાજપના પૂર્વ ધારાસભ્ય દિનેશ પટેલ (દિનું મામા) પણ ટીકીટ નહિ મળવાને કારણે નારાજ થયા હતા.અને નામો જાહેર થયાના બીજા દિવસે અપક્ષ ઉમેદવારી કરવાની જાહેરાત કરી દીધી હતી.તેવામાં કરજણ બેઠક પરથી ટિકિટની ઇચ્છા ધરાવનારા સતિશ પટેલે અપક્ષ ઉમેદવારીની જાહેરાત કરવાની સાથે કોંગ્રેસમાંથી લડવાની ઈચ્છા પણ વ્યક્ત કરી હતી.