વડોદરા જિલ્લાની પાંચ સીટના ભાજપના ઉમેદવારોના નામો જાહેર થતાં જ ભાજપમાં ભડકો થયો છે અને વાઘોડિયાના વર્તમાન તેમજ પાદરાના પૂર્વ ધારાસભ્યએ ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી છે.જ્યારે,કરજણ સીટ પર કોંગ્રેસમાંથી આવેલા ધારાસભ્ય અક્ષય પટેલને રિપીટ કરાતાં ભાજપના નારાજ પૂર્વ ધારાસભ્ય સતિષ નિશાળિયા સાથે કોંગ્રેસના આગેવાનો મીટિંગ કરી રહ્યા છે.
પૂર્વ ધારાસભ્ય સતિષ નિશાળિયા સાથે કોંગ્રેસના આગેવાનો મીટિંગ
વડોદરા જિલ્લાની પાંચ સીટમાં ભાજપ પાસે ડભોઇ,સાવલી,કરજણ અને વાઘોડિયા સીટ છે.જ્યારે,પાદરા સીટ કોંગ્રેસ હસ્તક છે.આગામી ચૂંટણી માટે ભાજપે આજે ઉમેદવારોના નામો જાહેર કરતાં ભાજપમાં તેના ઉગ્ર પ્રત્યાઘાત પડયા છે.ભાજપે સાવલીના કેતન ઇનામદાર,ડભોઇના શૈલેષ સોટ્ટા અને કરજણના ધારાસભ્ય અક્ષય પટેલને રિપીટ કર્યા છે.જ્યારે,પોતાની ટિકિટ ફાઇનલ થઇ ગઇ છે તેવો વારંવાર હુંકાર કરનાર છ ટર્મથી જીતતા દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની ટિકિટ કપાઇ છે.
દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની ટિકિટ કપાઇ
વાઘોડિયાની સીટ પર ભાજપે જિલ્લા પ્રમુખ અશ્વિન પટેલને ટિકિટ આપી છે.જિલ્લા પ્રમુખ ખુદ ગઇ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં હાર્યા હતા છતાં તેમને ટિકિટ અપાતાં દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ નારાજ થઇ ગયા છે અને તેમણે ટેકેદારોના નામે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.તો બીજીતરફ પાદરા સીટ પર પૂર્વ ધારાસભ્ય અને બરોડા ડેરીના ચેરમેન દીનુમામાની ટિકિટ કપાતાં તેમણે પણ તા.૧૭મીએ અપક્ષ તરીકે ફોર્મ ભરવાની જાહેરાત કરી છે.આમ,વડોદરા જિલ્લાની પાંચ સીટમાંથી પાદરા,વાઘોડિયા અને કરજણ સીટ પર બળવો થયો છે.