શક્તિની આરાધનાનો પાવન પર્વ નવરાત્રિના નવ દિવસ ખેલૈયાઓ ઉત્સાહભેર ગરબાની રમઝટ બોલાવે છે.જેમાં અમદાવાદ,વડોદરા સહિતના મોટા શહેરોમાં વિવિધ પાર્ટી પ્લોટ,સોસાયટીઓમાં ગરબાનું આયોજન કરવામાં આવે છે,ત્યારે વડોદરાના ‘યુનાઇટેડ વે’ના ગરબામાં ખેલૈયા યુગલનો એક વિવાદાસ્પદ વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.જેમાં યુગલ જાહેરમાં ચુંબન કરી, રીલ બનાવતા ખેલૈયાઓ અને હિન્દુ સંગઠનોમાં રોષ જોવા મળી રહ્યો છે.
મળતી માહિતી મુજબ, સોશિયલ મીડિયામાં લોકો ફેમસ થવા નિતનવી હરકત કરતા હોય છે.નવરાત્રિમાં ગરબા એક યુગલ દ્વારા જાહેરમાં અશ્વીલ રીલ બનાવીને વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો હોવાનું સામે આવ્યું છે.આ વીડિયો વડોદરાના ‘યુનાઇટેડ વે’ના ગરબાનો હોવાનું જણાય છે.યુગલનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં લોકોએ આયોજકો સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી છે.સંસ્કારી નગરી તરીકે પ્રખ્યાત વડોદરામાં ગરબી દરમિયાન અશ્લીલ હરકતનો વીડિયો સામે આવતાં લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે અને વીડિયોને લઈને વિવાદ છેડાયો છે. સમગ્ર ઘટનાને લઈને ધાર્મિક સંત, ખેલૈયાઓ સહિતના લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો.
‘ઘરમાંથી જ ધાર્મિક વાતાવરણ વિસરાઈ રહ્યું છે’
સમાજના આગેવાનો અને શ્રદ્ધાળુઓએ આ ઘટનાની નિંદા કરતાં જણાવ્યું હતું કે, ઘરમાંથી જ ધાર્મિક વાતાવરણ ધીમે-ધીમે વિસરાઈ રહ્યું છે.બાળકોમાં સંસ્કારના સિંચનનો અભાવ છે અને તેના જ કારણે આવા અયોગ્ય વર્તન વધતાં જાય છે.