વડોદરા,તા. 30 એપ્રિલ 2022,શનિવાર : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તાંદલજા સહકાર નગર ખાતે લોકભાગીદારીથી પ્રધાનમંત્રી આવાસ યોજના વર્ષ 2016 થી અમલમાં મૂકવામાં આવી હતી તે આજ દિન શરૂ નહીં થતાં ભાડાની રકમ ચૂકવવાના મુદ્દે તેમજ જમીનની કિંમત નક્કી કરવા અંગે મળેલી કમિટીની માહિતી રજુ કરતી દરખાસ્ત મ્યુનિસિપલ કમિશનરે રજુ કરતા ફરી એકવાર સહકાર નગર પ્રધાનમંત્રી આવાસ યોજનાનું ભૂત ધૂણ્યું હતું.જે બાદ સ્થાયી સમિતિએ એક વખત દરખાસ્ત મુલતવી કરી ગઈકાલે મળેલી સ્થાયી સમિતિમાં મંજૂર કરી છે જેમાં મહત્વની શરત મૂકવામાં આવી છે કે બિલ્ડરને સહકાર નગરના લોકોને અત્યાર સુધી આપેલા ભાડા અંગે કે અન્ય મુદ્દાઓ વિશે કોર્ટ રાહે કાર્યવાહી કરી શકશે નહીં.
વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં સહકાર નગર ઝુપડપટ્ટી તોડી તેની જગ્યા ઉપર પ્રધાનમંત્રી આવાસ યોજના બનાવવાનું નક્કી થયું હતું. આ જમીનમાં ગરીબોના 1,428 મકાનો બાંધીને બિલ્ડરે આપવાના રહેશે અને બાકીની જમીનમાં તે અન્ય કામો કરી શકશે તેવો નીયમ બનાવ્યો હતો જે આધારે લોકભાગીદારી ની પ્રધાનમંત્રી આવાસ યોજના cube construction એન્જિનિયરિંગ લિમિટેડ ને સોંપવામાં આવી હતી પરંતુ ત્યારબાદ સહકાર નગરની વચ્ચે તલાવડીની જમીન હોવાનો વિવાદ સર્જાતાં મામલો હાઇકોર્ટ સુધી પહોંચ્યો હતો અને તેમાં હાઈકોર્ટે તલાવડી ની જમીન ખુલ્લી રાખવા આદેશ કર્યો હતો.
તે સમય દરમિયાન ઝુપડા વાસીઓને પ્રતિમાસ રૂપિયા 2000નું ભાડું મે -2019 સુધી બિલ્ડર દ્વારા ચૂકવવામાં આવ્યું હતું. ત્યારબાદ બિલ્ડરે ભાડું ચૂકવ્યું નહીં જેથી તે ભાડું કોર્પોરેશન દ્વારા ચૂકવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. સહકારનગરની આ જમીન જિલ્લા કલેકટર દ્વારા ફાળવવામાં આવી હતી જેમાં ગરીબો માટેના જ આવાસો બાંધવા ની શરત પણ મૂકવામાં આવી હતી. સ્થાયી સમિતિ દ્વારા અગાઉ બિલ્ડરને કુલ 44,304.76 ચોરસ મીટર જમીન ફાળવવાનું નક્કી થયું હતું અને તેના પ્રીમિયમ ની રૂ. 15.61 કરોડની રકમ કોર્પોરેશનને આપવાનું નક્કી થયું હતું ત્યારબાદ બિલ્ડર તલાવડી ની કપાત થયેલી જમીન આપવા રજૂઆત કરી હતી જેમાં ત્રણ પ્લોટ આપવાના નક્કી થયા હતા.તેની સામે કોર્પોરેશનને પ્રીમિયમ ના પ્રથમ હપ્તાના તેમજ ડેવલોપમેન્ટ ચાર્જીસ મળી કુલ રૂ 5.41 કરોડ ચૂકવવાના થાય છે તેની બાહેધરી પણ બિલ્ડરે આપી છે.તેમજ બાંધકામ પરવાનગી મળ્યા બાદ લાભાર્થીઓને ભાડું ચૂકવવાની પણ બાહેધરી કરી આપી છે.
જી.પી.એમ.સી એક્ટ પ્રમાણે સહકાર નગર ની જમીનની કિંમત નક્કી કરવાની હોય છે જે અંગે સ્થાયી સમિતિની દરખાસ્ત માં જણાવ્યું છે કે, તાંદલજાની જમીન અંગે જે વાણિજ્ય હેતુ માટે ના પ્લોટ નું વેલ્યુએશન ડિસ્પોઝલ ઓફ લેન્ડ એન્ડ અધર પ્રોપર્ટી રેગ્યુલેશન વર્ષ 2002 મુજબ કરવાનું જરૂરી છે જે અંગે તારીખ 16/3/2022 ના રોજ વેલ્યુએશન કમિટીની બેઠક મળી હતી. 1)સહકાર નગરના બિલ્ડરને કુલ 44304.76 જમીન આપવાની થાય છે 2) પ્રધાનમંત્રી આવાસ યોજના ની પોલિસી અંતર્ગત નક્કી થયેલી વેલ્યુએશન કમિટીની ના રિપોર્ટ પ્રમાણે કાર્યવાહી કરવાની થાય છે જેમાં સરકાર તરફથી મળેલી જમીન ની કિંમત બિલ્ડરને ફાળવવા બાબતે પ્રથમ સરકારની મંજુરી મેળવવાની રહે છે તેમજ જે વાણિજ્ય ઉપયોગ માટે હોય તેની વિકાસ શક્ય નથી તેવી જમીનની પણ સરકાર દ્વારા મંજૂરી મેળવવાની રહેશે આ ઉપરાંત નગર રચના યોજનામાં આનુસંગિક ફેરફાર કરવા પણ સરકારની મંજૂરી મેળવવાની રહેશે.
દરખાસ્તમાં જણાવાયું છે કે તલાવડીની જગ્યાની આસપાસ માર્જિનની જમીન ખુલ્લી રાખી જીડીસીઆરના નિયમ મુજબ બાંધકામ પરવાનગી મેળવવાની રહેશે આ ઉપરાંત સરકારના જે પ્લોટ છે તેમાં સંયુક્ત પ્રાંત રજૂ કરી 180 આવાસ માટેનો જે પ્રોજેક્ટ મંજૂર થયેલો છે તે અંગે સરકારના પ્લોટ નંબર 157 અને 306 માં મંજૂર થયેલા ડીપીઆર મુજબ આવાસોનું બાંધકામ થઈ શકશે નહીં.મ્યુનિસિપલ કમિશનરે રજૂ કરેલી દરખાસ્તમાં તમામ મુદ્દાઓ રજૂ કર્યા હતા. આ સમગ્ર મુદ્દાઓ અંગેની કાર્યવાહી કરવા ગઈકાલે મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં તમામ સત્તા મ્યુનિસિપલ કમિશનરને આપવામાં આવી છે.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સહકાર નગરની જમીન સરકારી જમીન હોવા છતાં તેની કોઈ કિંમત નક્કી કરી ન હતી એટલું જ નહીં સરકારે માત્ર આવાસ બાંધવા જ જમીન આપી હતી તેમ છતાં તેનો વ્યાપારી ધોરણે ઉપયોગ કરવાનું નક્કી થતાં વિવાદ સર્જાયો હતો એટલું જ નહીં જમીનનું માત્ર રૂ. 15.61 કરોડનું પ્રિમિયમ નક્કી થયું હતું તેમાંથી પ્રોજેક્ટ મોડો થવાને કારણે ઝુપડા વાસીઓને ભાડુ ચૂકવવાનો પ્રશ્ન ઉપસ્થિત થયો હતો જેમાં કોર્પોરેશને 7 કરોડનું ભાડું ચૂકવી દીધું છે ત્યારે બિલ્ડર નું આ કામ મંજૂર થયા બાદ તેઓ ફરી ભાડાના મુદ્દે વિવાદ ઊભો કરી કોર્ટમાં જાય તેવી પણ શક્યતાઓ રહેલી હોવાથી સ્થાયી સમિતિએ ભાડા મુદ્દે બિલ્ડર કોઈ પણ પ્રકારની કાયદાકીય કાર્યવાહી કરી શકશે નહીં તેવો ઠરાવ કરવામાં આવ્યો છે.અને આ અંગે બિલ્ડર પાસેથી લેખિતમાં બાંહેધરી પણ લેવા અંગે ગઈકાલે મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં ચર્ચા વિચારણા થઇ હતી.