કલકતા: ઇડીએ કલકતાના જવેલરી હાઉસને 7220 કરોડ રૂપિયાની 7220 કરોડ રૂપિયા શો કોઝ નોટીસ જારી કરી છે.ગેરકાયદે ફોરેન એક્સચેન્જમાં સામેલ થવા બદલ ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ(ફેમા) હેઠળ આ નોટિસ ફટકારવામાં આવી છે.ફેમા હેઠળ અત્યાર સુધી ફટકારવામાં આવેલી નોટિસ પૈકી આ સૌથી મોટી રકમની નોટિસ છે.આ કેસ બેંક લોન છેતરપિંડી કેસ સાથે સંકળાયેલો છે.
કેન્દ્રીય તપાસ એજન્સીએ શ્રી ગણેશ જવેલરી હાઉસ (ઇન્ડિયા) લિમિટેડ અને તેના પ્રમોટરો સામે ફેમાનો ભંગ કરવા બદલ ચાર્જશીટ દાખલ કરી છે. ઇડીના સ્પેશિયલ ડાયરેક્ટર રેન્કના અિધકારી દ્વારા આ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.સૂત્રોના જણાવ્યા અનુસાર આ કંપની દેશની 100 વિલફુલ બેંક લોન ડિફોલ્ટર્સ પૈકીની એક છે.
સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન (સીબીઆઇ) અને ડાયરેક્ટર ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઇ) પણ આ કંપનીના ત્રણ પ્રમોટર નિલેશ પારેખ,ઉમેશ પારેખ અને કમલેશ પારેખની તપાસ કરી રહી છે.ડીઆરઆઇએ 2018માં નિલેશ પારેખની ધરપકડ કરી હતી.25 બેંકોના જૂથ સાથે 2672 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરવા બદલ ઇડીએ 2018માં કંપની અને તેના પ્રમોટરો સામે મની લોન્ડરિંગનો કેસ દાખલ કર્યો હતો.
સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર ફોરેક્સ કાયદાની વિવિધ કલમો હેઠળ એક વર્ષ સુધી તપાસ કરવામાં આવ્યા પછી ફેમા હેઠળ શો કોઝ નોટીસ ફટકારવામાં આવી છે.ઇડીના જણાવ્યા અનુસાર કંપની અને પ્રમોટરો પર ફેમા હેઠળ ગેરકાયદે વિદેશી ચલણની લેવડદેવડ કરવી,ભારતની બહાર વિદેશી ચલણ રાખવું,નિકાસની આવક સ્વરૂપે 7220 કરોડ રૂપિયાની રકમ કાઢવાનો આરોપ છે.


