વિસાવદર : પૂર્વ કેન્દ્રીય વનમંત્રી જયરામ રમેશના અધ્યક્ષસ્થાન વાળી વિજ્ઞાાન અને ટેકનોલોજી પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન પર વિભાગ સંબંધિત ૨૯ સાંસદોની સંસદીય સમિતિ આજથી ચાર દિવસ સુધી ગુજરાતમાં ગીરની મુલાકાતે આવી છે.જેમાં મુખ્યત્વે ગીર, સિંહ, સહિતના લુપ્ત થતી પ્રજાતિના પ્રાણી અને પશુઓની પરીસ્થીતી તથા સફારી પાર્ક, નેસડાઓની જાત મુલાકાત લઇ સાચી પરિસ્થિતિનો ચિતાર મેળવી તેમાં શું શું સુધારા વધારા કરી શકાય તે અંગે અભ્યાસ કરશે.આજે આ ટીમના સાંસદો સાસણ ખાતે પહોંચી ચૂક્યા છે.
ગીરના સિંહોને બચાવવા માટે ખુદ વડાપ્રધાન દ્વારા પ્રોજેક્ટ લાયનની જાહેરાત કરવામાં આવી છે.પ્રોજેક્ટ લાયનની જાહેરાતને દોઢ વર્ષથી વધુ સમય થઈ ગયો છે.જ્યારે જ્યારે લુપ્ત થતી પ્રજાતિઓ માથે વધુ સંકટ આવતું જાય ત્યારે તે પ્રજાતિને ખાસ કિસ્સામાં પ્રોજેક્ટ બનાવવામાં આવે છે ત્યારે ખુદ વડાપ્રધાને પ્રોજેક્ટ લાયનની કરેલી જાહેરાત બાદ ગુજરાત વનવિભાગ દ્વારા પ્રોજેક્ટ લાયનની મોટાભાગની રૂપરેખા તૈયાર કરી કેન્દ્રમાં મંજૂરી અર્થે મોકલવામાં આવી છે.હજુ તેની મંજૂરી આવી નથી તેવામાં પૂર્વ કેન્દ્રીય મંત્રી જયરામ રમેશના અધ્યક્ષ વાળી દેશના અલગ અલગ રાજ્યના ૨૯ સાંસદોની સ્થાયી સમિતિ ગીરની મુલાકાતે આવતા અનેક અટકળો શરૂ થઈ છે.
વનવિભાગના ઉચ્ચ અધિકારીના જણાવ્યા પ્રમાણે કેન્દ્રીય વન અને પર્યાવરણ વિભાગ સાથે યોજાયેલી છેલ્લી ત્રણ બેઠકોમાં સિંહોના મુદ્દે અનેક ચર્ચા-વિચારણાઓ કરવામાં આવી છે અને હવે આ કમિટી ગીરના ઘરેણાં સમાન સિંહો મુદ્દે સ્થળાંતર સહિતની ચર્ચાઓ કરે તેવી સુત્રો તરફથી માહિતી મળી રહી છે.એક તરફ સિંહને સ્થળાંતરનો ગુજરાતમાં ભારે વિરોધ થઇ રહ્યો છે.બીજી તરફ ગુજરાતમાં તાજેતરમાં જ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે આ મુદ્દે શું નિર્ણય આવે અને આ નિર્ણયમાં રાજકીય અડચણો આવે તેવી પણ શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે.
૨૯ સાંસદોની કમિટી સાથે ગુજરાતના વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને પણ જોડાયા છે. આજે સાંજ સુધીમાં સાસણ ખાતે કમિટીના સભ્યો પહોંચી રહ્યા છે અને વહેલી સવારથી દેવળિયા સફારી પાર્ક, ગીર, ગીરમાં આવેલા નેસડા ઓની મુલાકાત લેશે.ત્યારબાદ ધારીના આંબરડી સફારી પાર્કમાં જશે અને ત્રણ તારીખે જૂનાગઢના સક્કરબાગ ઝૂની પણ મુલાકાત લેવાના છે.ગીરમાં સંરક્ષણ અને સંવર્ધનને લઇ શું સમસ્યા છે, શું સુવિધાઓ છે તે અંગે પણ જાત માહિતી મેળવશે.આ ઉપરાંત સફારી પાર્કમાં શું વ્યવસ્થાઓ છે અને શું વ્યવસ્થા ખૂટે છે તેનો પણ ચિતાર મેળવશે.
ગીરમાં વસવાટ કરતા માલધારીઓના નેસડાઓની પણ મુલાકાત લેશે અને માલધારીઓની સાથે રૂબરૂ મુલાકાત કરશે. ખાસ કરી સિંહો માટે ગીરમાં શું શું જરૂરિયાતો છે અને સિહો કેવી પરિસ્થિતિમાં છે તે અંગે પણ જાત માહિતી મેળવશે. વનવિભાગ દ્વારા સિંહોની સુરક્ષા અને સંવર્ધનનો સારો એવો પ્રોજેક્ટ તૈયાર કરી બતાવવામાં આવે તેવી પણ શક્યતાઓ સુત્રો તરફથી વ્યક્ત કરાઈ રહી છે.
ગુજરાતમાં છેલ્લા સિંહ અવલોકન મુજબ ૬૭૪ સિંહોનો ત્રીસ હજાર ચોરસ કિલોમીટરમાં વસવાટ કરી રહ્યા છે.બે વર્ષ દરમિયાન ૨૯ સિંહોના અકુદરતી અને ૨૫૪ સિંહોના કુદરતી મોત થયા છે.જ્યારે ૩૩૩ દીપડાઓના કુદરતી અને અકુદરતી મોત થયા છે.
ગીરમાં વસવાટ કરતા સિહો માથે અનેક જોખમો રહ્યા છે.જેમાં ખુલ્લા કુવા વીજ કરંટ રેલવે ટ્રેકમાં કપાય જવા શિકાર થવા શહીદના અનેક જોખમ મંડરાઇ રહ્યાં છે.હજુ ગીર અભ્યારણ નેશનલ પાર્ક આસપાસ પાંચ હજારથી વધુ ખુલ્લા કૂવાઓ આવેલા છે.
રાજ્યસભા અને લોકસભાની સ્ટેન્ડીંગ કમિટી તા.૩ મેના જૂનાગઢનાં સક્કરબાગની મુલાકાતે આવી રહી છે.આ કમિટીની મુલાકાત વખતે મહાનુભાવોની હાજરી રહેવાની હોવાથી તા.૩ ના સવારે આઠ વાગ્યાથી બપોરના બે વાગ્યા સુધી સક્કરબાગ મુલાકાતીઓ માટે બંધ રહેશે.બે વાગ્યે બાદ પ્રવાસીઓ માટે સક્કરબાગ ખુલ્લું રહેશે.


