નવી દિલ્હી : તા.12 જુલાઈ 2022,મંગળવાર : ગુજરાત અને મધ્યપ્રદેશમાં વરસાદ સબંધિત ઘટનાઓમાં 14 લોકોના મોત થયા છે.સોમવારે પશ્ચિમ અને મધ્ય ભારતના ભાગોમાં પડેલા ભારે વરસાદને કારણે હજારો લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા હતા.મહારાષ્ટ્રના ગઢચિરોલી અને નાસિક જિલ્લામાં ભારે વરસાદને કારણે અનેક નદીઓના જળસ્તર વધ્યા બાદ ત્રણ વ્યક્તિઓ ગુમ થઈ ગયા હતા જ્યારે ગોદાવરી નદીના કિનારે આવેલા અનેક મંદિરો જળમગ્ન થયા હતા.
અધિકારીઓએ જણાવ્યું કે,ગઢચિરોલી જિલ્લામાં છેલ્લા 3 દિવસોમાં 3 લોકો નાળામાં તણાઈ ગયા હતા અને બાદમાં તેઓના મૃતદેહ કાઢવામાં આવ્યા હતા.તેમણે જણાવ્યું કે,નાળામાં તણાઈ ગયા બાદ વધુ 3 લોકો ગુમ છે.મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં પણ સોમવારે હળવો વરસાદ પડ્યો હતો.એક સપ્તાહથી વધુ સમય બાદ સોમવારે બપોરે દિલ્હીના કેટલાક ભાગોમાં વરસાદ પડ્યો હતો.