સુરત : સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની વરાછા ઝોન વિસ્તારની એક સ્કૂલમાં મુખ્ય શિક્ષક દ્વારા છોકરાઓ સાથે જાતિય સતામણી,ઉદ્ધત વર્તન અને શિક્ષકને ન છાજે તેવું વર્તન કરાયાની ફરિયાદ બાદ પાલિકાએ મુખ્ય શિક્ષકની બદલી કરીને કમિટી બનાવી તપાસ પણ શરુ કરાવી છે.મ્યુનિ.ની સ્કૂલમાં ભૂતકાળમાં શિક્ષક દ્વારા છોકરીની છેડતીની ફરિયાદો ઉઠી હતી.હાલમાં વરાછા ઝોનની એક સ્કૂલમાં મુખ્ય શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓની(છોકરાઓની)છેડતી કરી તેમની સાથે ન છાજે તેવું વર્તન કરવા સાથે જાતિય સતામણી કરાતી હોવાના આક્ષેપ થતાં શિક્ષણ સમિતિમાં ભૂકંપ આવી ગયો છે.શિક્ષણ સમિતિના સભ્યને આ અંગે ફરિયાદ મળતા તેમણે તપાસ કરતા સ્ફોટક વિગતો બહાર આવી હતી.શિક્ષક છોકરાઓને ગાળો પણ આપતા હતા અને જાતિય છેડતી કરતા હતા.
આ અંગે સભ્યએ પોતાની પાર્ટી અને સમિતિના શાસકો,મ્યુનિ.ના અધિકારીઓને જાણ કરતા તમામ ચોંકી ગયા હતા.છોકરાઓના જાતિય શોષણ અંગેની ફરિયાદ પહેલીવાર બહાર આવતા શિક્ષકની તાત્કાલિક અડાજણમાં બદલી કરી દેવાઇ છે.તેમજ શાસનાધિકારી,સિનિયર આચાર્ય સહિત ત્રણ સભ્યોની કમિટી બનાવી સાત દિવસ તપાસ રિપોર્ટ આપવા તાકીદ કરાઇ છે.કમિટીએ સ્કૂલના સીસીટીવી ફુટેજની ચકાસણી, શિક્ષકો-વાલીઓની પુછપરછ શરૂ કરી છે.પ્રારંભિક તપાસમાં કેટલાક લોકો આક્ષેપમાં તથ્ય હોવાનું કહે છે તો કેટલાક કહે છે તપાસ પુર્ણ થયા બાદ સાચી વિગતો બહાર આવશે.તપાસમાં મુખ્ય શિક્ષક કસૂરવાર જણાય તો આકરા પગલા ભરવામાં આવશે.