ગત વર્ષની તુલનાએ ચાલુ વર્ષે જાન્યુઆરી થી ડિસેમ્બર સુધીમાં ૪૦ કરોડ જેટલી આવક ઘટી:લોકડાઉન દરમ્યાન મહિનાઓ સુધી પરિવહન ઠપ્પ, મેળા – મલાખડાઓ પણ રદ્ થયા અને હવે ૭પ ટકા કેપેસિટી મુજબ જ પ્રવાસીઓ બેસાડવાની પરવાનગી હોઈ આવકમાં નોંધાઈ રહ્યો છે ઘટાડો:૧૦૦ ટકા કેપેસિટીની મંજૂરી વહેલી તકે નહીં મળે તો ખોટનો ખાડો વધુ ઉંડો થવાનો સત્તાધીશોને ભય
(બ્યુરો દ્વારા)ભુજ:વૈશ્વિક મહામારી કોરોનાએ અર્થતંત્ર પર ગંભીર અસરો પાડી છે. કોરોનાના કહેર વચ્ચે મહિનાઓ પસાર થઈ ગયા છે.જો કે, સ્થિતિ હજુ થાળે પડવાનું નામ લઈ રહી નથી. ખાનગી ઉદ્યોગ ધંધાઓની સાથોસાથ સરકારી સાહસો પર પણ કોવિડ-૧૯ની અવળી અસરો જોવા મળી રહી છે.પ્રવાસીઓની સંખ્યા ઘટતા ખાનગી ટ્રાવેલ્સ ઉદ્યોગ તો મંદીના વમળમાં ગરકાવ થઈ જ ગયો છે તેની સાથોસાથ એસટી તંત્રને પણ મોટો ફટકો પડયો હોઈ આવકમાં મોટી ઘટ્ટ જોવા મળી રહી છે.
આ અંગેની વિગતો મુજબ કચ્છ એસટીની ગત વર્ષની તુલનાએ ચાલુ વર્ષે જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીમાં ૪૦ કરોડ જેટલી આવક ઘટી છે.કોરોનાએ એસટીની આવક પર ‘કાતર’ ફેરવતા વર્ષે ૧૦૦ કરોડની આવકને આંબતું કચ્છ એસટીનું ગાડું આ વખતે પ૯ કરોડે અટકી ગયું છે. જાન્યુઆરી ર૦૧૯ થી ડિસેમ્બર ર૦૧૯ સુધી કચ્છ એસટીને ૧,૦૦,૦૪,૪પ,૪૭૦/-ની આવક થઈ હતી,જ્યારે જાન્યુઆરી ર૦ર૦ થી ડિસેમ્બર ર૦ર૦ સુધી પ૯,૯૦,૮૬,૯૯૭/-ની આવક થઈ હતી.ર૦૧૯ અને ર૦ર૦ના વર્ષની સરખામણીએ આવકમાં ૪૦ કરોડનો ઘટાડો થયો છે.
આવકના ઘટાડા પછવાડેના કારણો તપાસીએ તો લોકડાઉન દરમ્યાન મહિનાઓ સુધી પરિવહન ઠપ્પ રહ્યું હતું.તો સરકારી ગાઈડલાઈનને પગલે મેળા – મલાખડાઓ પણ રદ્ થતા એસટીને વધારાની ટ્રીપો દોડાવવાનો લાભ પણ મળ્યો નથી.અનલોક દરમ્યાન એસટીની સુવિધા શરૂ તો થઈ પણ હવે ૭પ ટકા કેપેસિટી મુજબ જ પ્રવાસીઓ બેસાડવાની પરવાનગી હોઈ આવકમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. ૧૦૦ ટકા કેપેસિટીની મંજૂરી વહેલી તકે નહીં મળે તો ખોટનો ખાડો વધુ ઉંડો થવાનો સત્તાધીશોને ભય સતાવી રહ્યો છે.અત્રે ઉલ્લેખનીય છે કે,કોરોનાનું સંક્રમણ સતત ફેલાતું જઈ રહ્યું હોઈ લોકો જરૂરી કામ વગર મુસાફરી કરવાનું ટાળી રહ્યા છે.બીજીતરફ જાહેર પરિવહનના સાધનોના બદલે ખાનગી વાહનોનો ઉપયોગ કરવાની પ્રણાલી વધી હોઈ તેના લીધે પણ એસટી બસોમાં પ્રવાસીઓ ઘટી રહ્યા હોઈ આવકમાં પણ ગાબડું પડયું છે.