વલસાડ : વલસાડના અબ્રામામાં રહેતાં આધેડ ગતરાત્રે અબ્રામા ગિરિરાજ હોટલ પાસે ને.હાઇવે રોડ ક્રોસ કરતી વખતે અજાણ્યા વાહનની અડફટે આવતા મોત નીપજ્યું હતું.જયારે અન્ય બનાવમાં અગાઉ ધમડાચી ગામે થયેલા અકસ્માતમાં ઇજાગ્રસ્તનું વલસાડની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.
મળતી વિગતો મુજબ વલસાડ શહેરના અબ્રામા વિસ્તારમાં આવેલી કોકાકોલા ફેક્ટરીની પાછળ સંપતભાઈ ભીખુભાઈ રાઠોડ રહે છે.ગઈકાલે રાત્રે સંપતભાઈ રાઠોડ અબ્રામા ગીરીરાજ હોટલ પાસે નેશનલ હાઇવે નંબર 48 સુરત તરફ જતા હાઇવે રોડ ક્રોસ કરી રહ્યાં હતાં.તે દરમિયાન કોઈ અજાણ્યા વાહન ચાલકે રસ્તો ક્રોસ કરી રહેલા સંપતભાઈ રાઠોડને અડફેટે લેતા તેને માથા તેમજ શરીરના અન્ય ભાગે ગંભીર ઈજા થતા તેનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત થયું હતું.આ ઘટના અંગે વલસાડ સીટી પોલીસ મથકમાં અજાણ્યા વાહન ચાલાક વિરોધ ગુનો નોંધી આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.
અન્ય બનાવમાં વલસાડ નજીક આવેલા ગુંદલાવ જીઆઇડીસીમાં કિરણભાઈ જેકીશન ચાપાનેરી (ઉંમર વર્ષ 52) રહે છે.કિરણભાઈ ચાંપાનેરી તા. 18/ 12 /2022 ના રોજ અંગત કામ અંગે પોતાની પ્લેઝર મોપેડ (નંબર જીજે 15/ એ.જી./ 9917) લઈને વલસાડ આવ્યા હતા.જે બાદ તેઓ વલસાડથી કામ પતાવીને ગુંદલાવ જઈ રહ્યો હતાં.તે દરમિયાન ઘમડાચી પાર્વતી મોટર્સ પાસેથી ખેરગામ તરફ જવાનો રોડ પરથી પસાર થતી વેળાએ કિરણભાઈએ પોતાની મોપેડ પુરઝડપે હંકારી લાવી સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી અકસ્માત કર્યો હતો.શરીરે ઇજા પામેલા કિરણભાઈને ઈજા થતાં સારવાર અર્થે 108 મારફતે વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા.હોસ્પિટલમાં 10 દિવસની સારવાર બાદ આજરોજ કિરણભાઈ ચાંપાનેરીનું સારવાર દરમિયાન મોત નીપજયો હતું.જે અંગે વલસાડ રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે.


