વલસાડ, 09 જૂન : વલસાડ શહેરના તિથલ રોડ ઉપર આવેલા રામનિવાસ નામની બિલ્ડીંગ તોડવાની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન ઉપરની છત આવી પડતા એક મજુરનું દબાઈ જતાં મોત થયું હતું.આ સમગ્ર બાબતે મકાનમાલિક અને કોન્ટ્રાક્ટર સામે નગરપાલિકાના સ્ટ્રક્ચર ઇજનેર દ્વારા બેદરકારી અંગેની પોલીસ ફરિયાદ વલસાડ સિટી પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.જેને પગલે સિટી પોલીસે બનેલી ઘટનામાં IPC કલમ 304 મુજબ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.વલસાડ શહેરના તિથલ રોડ ઉપર આવેલા રામનિવાસ નામનું બિલ્ડીંગ જે આનંદ ભાઈ ઠાકોરભાઈ દેસાઈના નામે છે.આ બિલ્ડિંગ અંદાજિત 70 વર્ષ કરતાં પણ જૂનું છે.જો કે આ બિલ્ડીંગને વારંવાર તોડી પાડવા માટે પાલિકા દ્વારા નોટિસ પણ આપવામાં આવી હતી.પરંતુ મકાન માલિક દ્વારા આ સમગ્ર બાબતે કોઈ ધ્યાન આપવામાં આવ્યું નહોતું.પરંતુ 7 જૂનના રોજ મકાન માલિક દ્વારા ગુલામ હૈદર શેખ નામના કોઈ કોન્ટ્રાક્ટરને આ મકાનને તોડી પાડવાની કામગીરી આપવામાં આવી હતી અને તેના દ્વારા કેટલાક મજૂરોને લઈને આ મકાન તોડી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.
જે પૈકી બપોરે કામ કરતી વખતે વચ્ચેના માળની છત નીચે આવી પડતા કામ કરી રહેલા એક મજુર ગુલાબ દેવજીનુ મોત થયું હતું,જ્યારે ફેજલ ખાન નામના ઈસમને ઈજાઓ થઈ હતી.આ ઘટના બનતા પાલિકાની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર બાબતની તપાસ કરતા આખરે બહાર આવ્યું કે, બિલ્ડિંગને તોડવા પૂર્વે નગરપાલિકા વિભાગને કોઈપણ પ્રકારની જાણકારી આપવામાં આવી નહોતી.
જો કે પાલિકાના સ્ટ્રક્ચર એન્જિનિયરની દેખરેખ અને તેની ઉપસ્થિતિમાં જર્જરિત મકાનો તોડવાના હોય છે.પરંતુ તેમને કોઈપણ પ્રકારની જાણકારી કરવામાં આવી નહોતી.તો સાથે સાથે બિલ્ડીંગ તોડવા માટે જે કોન્ટ્રાકટરને કામગીરી આપવામાં આવી હતી તે પણ કોઇપણ પ્રકારે સર્ટિફાઇડ કોન્ટ્રાક્ટર ન હતો.તેમજ આ કોન્ટ્રાક્ટરે જે બે મજૂરો કામ માટે લગાવ્યા હતા તેમની પાસે કોઈ પણ પ્રકારના સેફ્ટીના સાધનો પણ ન હતાં.જેના કારણે આ આખી ઘટના બની અને એક મજૂરનું મોત થયું હતું.
મહત્વનું છે કે,તિથલ રોડ ઉપર અંદાજે 70 વર્ષ જૂનુ મકાન ખુબ જ જર્જરીત બની હતું અને આ બંધ મકાનમાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા કેટલીક અસામાજિક પ્રવૃત્તિઓ પણ ચાલી રહી હતી તેવું આસપાસના લોકોએ જણાવ્યું હતું.વળી આ મકાનની જર્જરીત હાલત જોઈને પાલિકા દ્વારા અનેકવાર તેને નોટિસ આપવામાં આવી હતી. પરંતુ તેમ છતાં મકાનમાલિકે કોઈ દરકાર રાખી ન હતી અને જ્યારે તેને તોડવામાં આવ્યું ત્યારે પણ એક ઘટના બની અને એક મજૂરને જીવ ગુમાવવો પડ્યો.


