– 10 ગામના સરપંચો અને ગ્રામજનો દ્વારા અકસ્માતો રોકવા વારંવાર ઉચ્ચસ્તરે રજૂઆતો કરી હતી
વલસાડ : વલસાડ તાલુકાના કાંઠાના દરિયા અને ધોલાઇ બંદરેથી રેતી ભરીને માતેલા ઢોરની જેમ બેફામ દોડતી50 ટ્રકો અને ડમ્પરોને ડુંગરી પોલિસે મંગળવારે ડિટેઇન કરવામાં આવ્યા હતા.વલસાડના દરિયા કાંઠેથી દરિયાઇ રેતી કાઢવા મામલે છરવાડા,માલવણ,ધરાસણા,દાંતી,દાંડી સહિત 10 ગામના સરપંચોએ ગેરકાયદે રેતી ખનન અને રેતીના વાહનો ભરી બેફામ રીતે હંકારતા ગ્રામજનોને અકસ્માતનો સતત ભય હોવાની રજૂઆતો કલેકટર એસપી સુધી કરવામાં આવી હતી.
તાજેતરમાં થોડા દિવસો અગાઉ ધોલાઇ બંદરના મરીન કમાન્ડોનું પણ માર્ગ અકસ્માતમાં મોતનો બનાવ બન્યો હતો.આ ઘટનાઓ તથા કાંઠાના ગ્રામજનોની રજૂઆતો ધ્યાને લઇ એસપી ડો.રાજદિપસિંહ ઝાલાએ કાંઠાના કોસ્ટલ રોડ ઉપર વાહન ચેકિંગનો આદેશ કરતાં ડુંગરી પોલિસે કોસ્ટલ રોડ ઉપર કડક કાર્યવાહી કરાઇ છે.ભૂતકાળમાં વલસાડના કાંઠા વિસ્તારના ડુંગરી,છરવાડા,માલવણ,ધરાસણા,દાંડી જેવા ગામોમાં રેતી ભરેલી ટ્રકો બેફામ રીતે જતી હોય જીવલેણ અકસ્માતના બનાવો બની ચૂકયા હોય હવે પોલીસ પ્રશાસન આવા વાહનો સામે લાલ આંખ કરવાની કાર્યવાહી યથાવત રાખે તેવી લોકોની માંગણી છે.
22 જાન્યુ.2020ના રોજ 9 ગામના લોકોએ છરવાડા રોડ ઉપર 25 ટ્રકને આંતરી હતી
વલસાડના દરિયા કાંઠાના દાંતી,કકવાડી,દાંડી,છરવાડા,ધરાસણા,ભાગલ,ઉમરસાડી,માલવણ અને ઉંટડી ગામ મળી 9 ગામની 45 હજારની વસતી માટે ભયજનક બેફામ ગતિએ દોડતી રેતીની ટ્રકોના વિરોધમાં સરપંચો અને ગ્રામજનોનો કલેકટર કચેરીએ મોરચો વલસાડના કાંઠાના 9 ગામના સરપંચો,સ્થાનિક આગેવાનો તથા ગ્રામજનોએ 22 જાન્યુઆરી 2020ના રોજ 25 જેટલી ટ્રકોને છરવાડા રોડ પર આંતરી ઘેરો ઘાલી વિરોધ પ્રદર્શન કર્યું હતું.ત્યારબાદ ગ્રામજનોએ તાત્કાલિક વલસાડ કલેકટર કચેરીએ મોરચો માડી કોસ્ટલ હાઇવે પરથી દોડતી ટ્રકો બંધ કરાવવા ઉગ્ર માગ કરી હતી
ધોલાઇ અને વલસાડ નાની દાંતી,દાંડી કાંઠેથી રેતીનો વેપલો
વલસાડના કાંઠાના ગામો નાની દાંતી,દાંડી અને બીલીમોરા વલસાડની હદ સાથે જોડાયેલા બીલીમોરાના ધોલાઇ બંદર વિસ્તારમાંથી મહારાષ્ટ્ર સુધી લઇ જવાતીદરિયાઇ રેતીના વેપલા માટે ગેરકાયદે રેતી ખનન અને વહન કરતી ટ્રકો અને ડમ્પરોમાંથી રોડ પર નિતરતાં પાણીના કારણે સામાન્ય વાહનચાલકોને સ્લિપ મારવા તથા અકસ્માતના બનાવોથી ગ્રામજનો ભારે દહેશત અનુભવી રહ્યા હતા.


