વલસાડ, 22 મે : કઇ દૂકાનો ખુલ્લી રહેશે તે મુદ્દે ગ્રાહકોમાં ભારે અસમંજસતા સર્જાઈ છે.જેમાં વલસાડ જીલ્લામાં લોકડાઉન 4.0 હેઠળ છુટછાટમાં ઓડ ઇવન પધ્ધતિથી દૂકાનો ખોલવા કરેલા હુકમ સામે વલસાડ ડિસ્ટ્રિક્ટ ચેમ્બર્સ ઓફ કોમર્સે કલેકટરને રાવ કરી છે.રાજ્ય સરકારે તમામ આર્થિક પ્રવૃત્તિ શરતોને આધિન છુટ આપતી જાહેરાત કર્યા બાદ વલસાડ જિલ્લા મેજિસ્ટ્રેટે સ્થાનિક સ્તરેથી જાહેરનામુ પ્રસિધ્ધ કર્યું હતું.દૂકાનો ધંધા વેપાર ખોલવા માટે ઓડ ઇવન પધ્ધતિનો અમલ કરવા હુકમ કર્યો હતો.જેને લઇ કઇ દૂકાનો કઇ તારીખે ખુલશે તે બાબતે વલસાડ ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ કાળુભાઇ પટેલ,વેપારી અગ્રણી ધરમસિંહ છેડા,મોરારજી શાહ સહિત આગેવાનોએ કલેકટર સી.આર.ખરસાણને કેટલીક મુંઝવણો અંગે રજૂઆતો કરી હતી.જેેના નિરાકરણ માટે કલેકટર ખરસાણે આશ્વાસન આપ્યા હતા.સપ્તાહમાં 2 દિવસ દૂકાનો બંધનું સૂચન કરવામાં આવ્યું.ચેમ્બર્સ ઓફ કોમર્સે કલેકટર સમક્ષ આ પ્રશ્નના નિરાકરણના ભાગરૂપે જે સૂચન કર્યા છે તેનાથી પ્રશ્નનો પણ હલ નિકળશે.જેમાં એક સાથે તમામ દૂકાનો શરૂ કરવા દાદ માગવામાં આવી છે અને અઠવાડિયામાં શનિ રવિ દૂકાનો બંધ રાખવામાં આવે તો ચાલશે તેવું સૂચન કર્યું હતું.