વલસાડ,13 જુલાઈ : વલસાડ જિલ્લામાં કોરોના કેસ વધવાનો સિલસિલો લગાતાર જારી રહ્યો છે.જુલાઇના પ્રારંભથી જ મહદઅંશે કોરોનાના કેસો ઘટવાનું નામ લેતા નથી.12 જુલાઇ રવિવારે જિલ્લામાં 16 કેસ તથા જિલ્લા બહારના આવેલા 4 નવા કેસનો ઉમેરો થયો હતો.આ સાથે વાપી અને પારડી મોતીવાડાના 2 દર્દીના મોત નિપજ્યા હતા.વલસાડ તાલુકામાં 8 કોરોના સંક્રમિત કેસ નોંથાયા હતા.જ્યારે વાપી તાલુકામં 5 અને ધરમપુર,ઉમરગામ,પારડી તાલુકામાં એક એક કેસ નિકળ્યો હતો.જિલ્લામાં આ સાથે કોરોના પોઝિટિવ કેસોની સંખ્યાનો આંકડો કુલ 396 પર પહોંચી ગયો છે.
આરોગ્ય વિભાગે ધનવંતરી રથ દ્વારા આયુર્વેદિક ઉકાળા,હોમિયોપેથી ટેબ્લેટોનું વિતરણ તેજ કરી દીધું છે,પરંતું જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્રના તમામ મોરચે પ્રયાસો છતાં કોરોનાથી સુરક્ષિત રહેવા માટે કલેકટરના જાહેરનામા તથા આદેશોના અમલમાં લોકોમાં હજી ગંભીરતા ઓછી જોવા મળી રહી છે.હજી બજારો,દૂકાનોમાં કે અન્ય સ્થળોએ સોશ્યિલ ડિસ્ટેન્સિંગની પરવાહ રાખવામાં આવતી નથી.લોકલ સંક્રમણને અટકાવવા માટે કોવિડ-19 નિયમોનું ચૂસ્ત પાલન કરવાની ખૂબ જરૂર હોવા છતાં બિનકાળજી જોવા મળી રહી છે.જેને લઇ કોરોના કેસ દરરોજ વધી રહ્યા છે.રવિવારે જિલ્લાના 16 અને જિલ્લા બહારથી આવેલા 4 દર્દી મળી આવ્યા હતા.
વલસાડ એસટી ડેપો પાસેથી શુક્રવારે ચોરીના 2 મોબાઈલ સાથે ઝડપેલો 22 વર્ષીય યુવકનો રવિવારે કોરોના પોઝિટિવ આવતા પોલીસ મથકે ફરજ બજાવતા પોલીસ જવાનોમાં ફફડાટ ફેલાયો હતો. મોબાઈલ ચોરના સંપર્કમાં આવેલા પોલીસ જવાનોના કોરોનાના ટેસ્ટ કરાવવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. જ્યારે વલસાડ સીટી પોલીસ મથકે વર્ષ 2019-20માં નોંધાયેલા દારૂના ગુનામાં મૂળ સુરતનો અને હાલ દમણ રહેતો એક યુવકને વોન્ટેડ જાહેર કરાયો હતો. તે 8 જુલાઈએ પોલીસ મથકે હાજર થતા ધડપકડ પહેલા તેનો કોરોનાનો ટેસ્ટ કરાવતા પોઝિટિવ આવ્યો હતો.
સેલવાસ દાનહમાં રવિવારે કોરોનાના વધુ 7 કેસ પોઝિટિવ નોંધાતા કુલ આંકડો 221 પર પહોંચ્યો છે. જેમાંથી 92 કેસ સક્રિય છે અને 126 દર્દી રીકવર થઇ ગયા છે.3 કેસ માઇગ્રેટેડ છે.રવિવારે આવેલા પોઝિટિવ કેસમાં 2 દર્દી હાઈ રીસ્ક કોન્ટેક્ટમાં આવેલા ,2 લો રીસ્કના કોન્ટેક્ટમાં આવેલા જ્યારે ત્રણ ટ્રાવેલ હીસ્ટ્રી ધરાવે છે.આજે 18 દર્દી રિકવર થયા છે જેઓને રજા આપવામાં આવી છે.આ સાથે આજે નવા બે કંટાઈમેન્ટ ઝોન અલહરમ પેલેસ,બાવીસા ફળીયા,સેલવાસ અને નવીનભાઈની ચાલ,મેઢાપાડા,સાયલી ઉમેરાયા છે જે સાથે દાનહમાં કુલ 67 કંટાઈમેન્ટ ઝોન ડિક્લેર કરાયા છે.જેમાં સૈથી વધુ સેલવાસ પાલિકા વિસ્તારમાં 35 ઝોન છે.
દમણમાં રવિવારે વધુ કોરોનાના 7 પોઝિટિવ કેસ નોંધાયા હતાં. જેમાંથી 5 દર્દીઓ અગાઉથી કોરોન્ટાઇનમાં હતા. અને બે દર્દીઓ જૂના પોઝિટિવ દર્દીઓના હાઇરીસ્ક સંપર્કમાં આવ્યા હતાં. દમણમાં 12 દર્દીઓ રવિવારે રીકવર થતાં તેમને રજા આપી દેવાઇ હતી. હાલ દમણમાં કોરોનાના કુલ 243 પોઝિટિવ કેસો છે. અને 128 લોકો અત્યાર સુધી રીકવર થયા છે. તેમજ કોરોનાના લીધે એકનું મોત થઇ ચૂકયું છે. રવિવારે એકપણ નવા કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરાયા ન હતાં. હાલ દમણમાં કુલ 58 કન્ટેઇનમેન્ટ ઝોન નક્કી કરાયા છે.
વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં ટીઆરબી વિભાગમાં ફરજ બજાવતા કર્મીનો રિપોર્ટ રવિવારે પોઝિટિવ આવતા સારવાર માટે દમણની મરવડ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પ્રિન્સ રાધેશ્યામ ભારતી નામનો ટીઆરબી કર્મી સંઘપ્રદેશ દમણથી આવતો હોય સંક્રમિત થયો હતો.


