વલસાડ, 26 જૂન : વલસાડ જિલ્લામાં કોવિડ-19ના નિયમોના અમલ માટેની દંડનીય કાર્યવાહી તથા સેમ્પલ ટેસ્ટના તમામ પ્રયાસો છતાં તંત્રનો પનો ટૂંકો પડી રહ્યો હોવાની પ્રતીતિ થઇ રહી છે.ગુરૂવારે જિલ્લામાં પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં વધુ 8 કેસ ઉમેરાયા છે.લોકલ સંક્રમણના વધી રહેલા જોખમે તંત્રની ઉંઘ હરામ કરી દીધી છે.
જૂન અને જૂલાઇ સુધીના દિવસોમાં કોરોના સંક્રમણના કેસો વધવાની પ્રથમથી જ ભીતિ દર્શાવાઇ હતી. દરમિયાન જિલ્લામાં ગુરૂવારે વધુ 8 કેસ નોંધાયા છે. વલસાડ શહેર સહિત તાલુકામાં 4 કેસ,પારડીમાં 1,વાપીમાં 2 અને ઉમરગામ તાલુકામાં 1 કેસ નોંધાતા કુલ સંખ્યાનો આંકડો 111 પર પહોંચ્યો છે.જેમાં જિલ્લાના પોઝિટિવની સંખ્યા 88 અને બહારના કેસ 23નો સમાવેશ થાય છે.કોરોના વાયરસના સંક્રમણથી જિલ્લામાં જૂન માસ ભયજનક સાબિત થઇ રહ્યો છે.જૂન માસથી જ સંક્રમિત કેસોમાં ઉછાળો જોવા મળ્યો છે.1 જૂન માસથી કોરોનાના કેસોમાં ટ્રાવેલ હિસ્ટ્રી જોવા મળી નથી.તમામ કેસોમાં લોકલ સંક્રમિત દર્દીઓ સપાટી પર આવ્યા છે.
જિલ્લા વહીવટી તંત્ર,આરોગ્ય અને પોલિસ વિભાગ દ્વારા સોશ્યિલ ડિસ્ટેન્સિંગ,માસ્ક અને સેનેટારાઇઝરનો ઉપયોગ દરેક જગ્યાએ કરવા માટે દંડનીય કાર્યવાહી આગળ ધપાવવામાં આવી રહી છે.પરંતું જિલ્લામાં ખૂણે ખૂણે કોવિડ-19ના નિયમોનો ભંગ થતો રોકવા માટે તંત્રનો પનો ટૂંકો પડી રહ્યો છે.જેની સીધી અસર કોરોનો પોઝિટિવ કેસો ઘટાડવાના રોકવા પર પડી છે.