વલસાડ,02 જૂન : કેરળના અરબી સમુદ્રમાં લો-પ્રેશરની સિસ્ટમ ચક્રવારતમાં ફેરવાઇ રહી છે અને 2 અને 3 જૂન સુધીમાં મુંબઇ અને દક્ષિણ ગુજરાતના દરિયાઇ વિસ્તારમાંથી પસાર થવાની આગાહી હવામાન વિભાગે કરતાં વલસાડ જિલ્લા વહીવટી અને પોલિસ તંત્ર દોડતું થઇ ગયું છે.કલેકટર સાથે અધિકારીઓની ઉચ્ચ સ્તરની બેઠકમાં સઘન પરામર્શ કરાયો છે.આ સાથે કાંઠાના વિસ્તારના 36 ગામને એલર્ટની સૂચના મામલતદારો, સરપંચો તથા તલાટીઓને જારી કરવામાં આવી છે.
કેરળનું સમુદ્રી સાઇક્લોન મુંબઇ અને દ.ગુ.માંથી પસાર થઈ 3 જૂને ત્રાટકવાની શક્યતા જોવાઈ રહી છે.વલસાડ જિલ્લાના 3 તાલુકા વલસાડ તાલુકાના દરિયાઇ પટ્ટીના 18 ગામ,પારડીના 4 અને ઉમરગામ કાંઠાના 14 ગામ મળી 36 ગામોને એલર્ટ અપાયું છે.દરિયાઇ કાંઠા વિસ્તારમાં રહેતા લોકોને કેરળના અરબી સમુદ્રમાં ઉઠેલા ચક્રવાતની અસરથી સુરક્ષિત રાખવા વહીવટી તંત્ર સાબદું થઇ ગયું હતું.સોમવારે દરિયા કિનારાના સમીપના વલસાડ તાલુકાના તિથલ,કોસંબા અને ભાગડાવડા કિનારા વિસ્તારમાં ડીડીઓ અર્પિત સાગર, એસપી સુનિલ જોષી પોલિસ કાફલા અને અધિકારીઓ સાથે પહોંચી રહેણાંક વિસ્તારોની સ્થિતિનો તાગ મેળવી સંબંધિત અધિકારીઓને સૂચના જારી કરાઇ હતી.વાવઝોડાની સંભવિત અસરની ભીતિના પગલે તંત્રએ ત્રણે તાલુકાના પ્રાંત અધિકારી,મામલતદાર,સરપંચ અને તલાટીઓને લેખિત સૂચના આપી સ્થળાંતરની જરૂર પડે તો તેની પૂર્વ વ્યવસ્થા કરવા તાકીદ કરી છે.નિસર્ગ વાવાઝોડુ મહત્તમ 150 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકવાની સંભાવના છે.
વાવઝોડાની અસરની ભીતિને લઇ તંત્રની પૂર્વ વ્યવસ્થા કરાઇ રહી છે.ગાંધીનગર હવામાન ખાતાની આગાહીને જિલ્લાના કાંઠાના 36 ગામમાં એલર્ટ કરાયું છે.સ્થળાંતરની જરૂર પડે તો તેમને સ્કૂલોમાં કે શેલ્ટર હોમમાં મોકલવાની પૂર્વ વ્યવસ્થા કરાઇ છે. અધિકારીઓને સૂચના જારી કરાઇ છે.દરિયા કિનારાના જે ગામમાં વાવાઝોડાની પરિસ્થિતિમાં પાણી ભરાવની શક્યતા છે તેવા વલસાડના 18,પારડીના 4 અને ઉમરગામના 14 ગામોમાં નજર રખાઈ રહી છે. વલસાડના ડીડીઓ અર્પિત સાગર દ્વારા જણાવાયું છે.
એનડીઆરએફ ટીમ પણ ગાંધીનગરથી આવશે. સાઇક્લોનથી પ્રભાવિત થઇ શકે તેવા જિલ્લાના દરિયાઇ વિસ્તારના કોસ્ટલ ગામોના 6 પોલિસ સ્ટેશનને સૂચના અપાઇ છે.એનડીઆરએફની ટીમ પણ આવનાર છે.પાલિકા, જિ.તા.પંચાયત અને અધિકારીઓની ટીમ બનાવી છે.પ્રભાવ વધારે હોય તેવા વિસ્તારના લોકોને સ્થળાંતર કરવા,માછીમારોને દરિયામાં ન જવા જેવી બાબતો અંગે સૂચના અપાઇ છે.વલસાડના પોલિસ અધિક્ષક સુનિલ જોષી દ્વારા જણાવાયું છે.