વલસાડ,13 જુલાઈ : વલસાડ જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓની પ્રતિદિન વધતી સંખ્યાએ વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ માટે ચિંતા વધારી દીધી છે.અત્યાર સુધી જિલ્લામાં 354 કેસ નોંધાયા છે,જેમાં સૌથી વધુ જૂલાઇ અનલોક-02ના 10 દિવસમાં જ 171 કેસ નોંધાતા તંત્રમાં દોડધામ મચી છે.કલેકટરે શુક્રવારે અધિકારીઓની બેઠક બોલાવી હતી.દરમિયાન જિલ્લાના તમામ પ્રવેશદ્વારો અને ચેકપોસ્ટ પર નાકાબંધી અને ચેકિંગ હાથ ધરવા આદેશ કરાયો છે.
કોવિડ-19 હેઠળના જાહેરનામા હેઠળ વગર કારણે બહાર નહિ નિકળવા, નાક ઢંકાય ત્યાં સુધીના ફરજિયાત માસ્ક પહેરવા,સોશ્યિલ ડિસ્ટેન્સિંગના દો ગજ કી દૂરીના નિયમ,સેનેટરાઇઝરનો ઉપયોગ,વારંવાર સાબુથી હાથ ધોવા,હેન્ડ ગ્લોવ્ઝ જેવા નિયમોનું પાલન કરવા તાકીદ કરાઇ છે.લોકોમાં હજી આ નિયમોના અમલમાં પર્વતતી ઉદાસીનતાને લઇ સંક્રમણ વધી રહ્યું છે.આરોગ્ય વિભાગને પણ આ દિશામાં વધુ તેજ કાર્યવાહી હાથ ધરવા સૂચના અપાઇ છે.
જિલ્લામાં જ્યાં કોરોનાનું વધુ પ્રમાણ છે તેવા વિસ્તારોમાં 30 જેટલા ધનવંતરી આરોગ્ય રથ દ્વારા સર્વેલન્સ શરૂ કરી દેવાયું છે. આ રથ સ્થળ ઉપર જ તાવ, શરદી, ઝાડા, ડાયાબિટિસ, બીપી, ચામડીના રોગની તપાસ,સારવાર આપવાનું શરૂ કરાયું છે. ધન્વંતરી આરોગ્ય રથમાં આરબીએસએસ કે ટીમમાં 2 આયુષ તબીબ, 1 ફાર્માસિસ્ટ અને 1 કર્મચારીનો સમાવેશ કરાયો છે.


