વલસાડ,18 જૂન : 21 જુન વિશ્વ યોગ દિને સમગ્ર જિલ્લાના લોકો પરિવાર સાથે એટ હોમ સ્વયં યોગમાં જોડાય તેના આયોજન માટે કલેકટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેકટર આર.આર.રાવલના અધયક્ષસ્થાને બેઠક મળી હતી.બેઠકને સંબોધતાં જિલ્લા કલેક્ટર રાવલે જણાવ્યું હતું કે,કોરોના સંક્રમણથી બચવા માટે યોગ ખૂબ મહત્ત્વનો છે,ત્યારે રાજ્યના મુખ્યુમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા યોગમાં સૌને જોડાવા માટેના પ્રયાસો કરવામાં આવી રહયા છે.શાળા-કૉલેજોના શિક્ષકો, વિદ્યાર્થીઓ,બાળકો,વાલીઓ તેમજ પ્રજાજનો સ્વયં યોગમાં જોડાય તે માટે તેમને યોગનું જરૂરી માર્ગદર્શન ઓનલાઇન માધ્યમથી પૂરું પાડવામાં આવશે. જિલ્લા શિક્ષણાધિકારી કે.એફ.વસાવાએ જણાવ્યું હતું કે,જિલ્લાની તમામ શાળાઓમાં ફરજ બજાવતા વ્યાયામ શિક્ષકો અને રસ ધરાવતા શિક્ષકો માટે 18 થી 20 જૂન, 2020 સુધી સવારે 7 થી 8 દરમિયાન ઓનલાઇન ટ્રેનિંગ આપવામાં આવશે.ત્રણેય દિવસ ટ્રેનિંગમાં જોડાવા માટે અલગ લીંક દરેક શાળાને મોકલી આપવામાં આવશે. ત્રણ દિવસની ટ્રેનિંગ બાદ 21મી જૂને શિક્ષકોએ પોતાની શાળાના વિદ્યાર્થીઓ, સ્ટાફમિત્રો તેમજ રસ ધરાવતા વાલીઓ અને ગ્રામજનોને ઘરબેઠાં ઓનલાઇન યોગ કરાવવાનો રહેશે.21 મી જૂને ઓનલાઇન યોગ માટે જરૂરી તૈયારીઓ પણ આરંભી દેવામાં આવી છે.આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર એન.એ.રાજપૂત સહિત અમલીકરણ અધિકારીઓ હાજર રહયા હતા.


