– દુકાનો સામે RCC ગટરના બાકી કામને લઇ મુશ્કેલી
વલસાડ : વલસાડ શહેરના રાજમાર્ગ ગણાતા તિથલ રોડ ઉપર હાલમાં બોક્ષ સ્ટોર્મ ડ્રેઇન વોટર ગટરના આરસીસી કામ માટે આરએન્ડબી દ્વારા તબક્કાવાર પ્રમાણે કામો હાથ ધરાતા ગ્રાહકોને પડતી તકલીફને લઇ વેપારીઓ મુંઝવણમાં મૂકાયા છે.તિથલ બીચથી એસપી સર્કલ સુધીના 4 કિમીનો માર્ગ પહોળો કરવા આરએન્ડબીએ બીડું ઝડપ્યું છે.આ માર્ગ પરથી દબાણો દૂર કરી આરએન્ડબીએ રોડની પહોળાઇ વધારવાની માગ સંતોષવાનો પ્રયાસ કર્યો હતો.
કલેકટર આર.આર.રાવલે કામગીરી વહેલી તકે પૂર્ણ કરવા સૂચનાઓ આપતાં આરએન્બીએ સ્ટોર્મ ડ્રેઇન વોટર ગટરનું કામ સતત છેલ્લા 1 માસથી હાથ ધર્યું છે.પરંતું તબક્કાવાર રીતે ગટરના કામ વચ્ચે આવતાં નડતર દૂર કરી કામગીરી આગળ ધપાવાઇ રહી હોવાના કારણે કેટલીક જગ્યાએ ગટરનું ખોદકામ કરી બોક્ષ ડ્રેઇન વોટર ગટરનું કામ હજી બાકી રાખ્યું છે.જેના કારણે વેપારીઓની દૂકાનો સામે ખુલ્લી ગટર ઓળંગવાની માથાકૂટથી ગ્રાહકો અકળાઇ રહ્યા છે.પરિણામે વેપારીઓ આ ગટરોનું કામ વધુ ઝડપે પૂર્ણ કરવાની માગ કરી રહ્યા છે.
ડિવાઇડર સાથે ગટરના કામનું પણ ભારણ
તિથલ રોડને 45 ફુટ પહોળો કરી વચ્ચે ડિવાઇડર મૂકવાની કામગીરી સાથે ડ્રેઇન વોટર બોક્ષ ગટરની બાકી કામગીરીને પણ સમાંતર ધોરણે આગળ ધપાવવામાં વેપારીઓનો ખો નિકળી રહ્યો છે.ડિવાઇડર અને ગટરના બેવડા કામનું ભારણ આરએન્ડબીના માથે છે ત્યારે વેપારીઓ,ગ્રાહકો અને લોકોને પણ પરેશાની થઇ રહી છે.
પાણીના નિકાલની પૂર્વ કવાયતને લઇ વિલંબ
ચોમાસામાં રોડ પરથી વરસાદી પાણીનો ઝડપથી નિકાલ થઇ શકે તે માટે કવાયત હાથ ધરી છે.એક જગ્યા પર ખોદકામ કરી બીજી જગ્યાએ અગાઉથી કરેલા ખોદકામમાં ગટરનું કામ શરૂ કરવાના પગલે આગળની ખુલ્લી ગટરના આરસીસી કામમાં વિલંંબ થતાં વેપારીઓ મૂંઝવણ અનુભવી રહ્યા છે.