– 180 નંગ પંખાઓની આડમાં 15 હજાર 900 બોટલ દારૂનો જથ્થો અમદાવાદ તરફ લઈ જઈ રહ્યો હતો
વલસાડ : વલસાડ LCBની ટીમને મળેલી બાતમીના આધારે LCBની ટીમે પારડી હાઇવે ઉપરથી એક ટ્રકને અટકાવી ચેક કરતા ટ્રકમાં પંખાની આડમાં અમદાવાદ તરફ લઈ જવાતો 15 હજાર 900 બોટલ દારૂના જથ્થા સાથે ટ્રકના ચાલકને ઝડપી પાડ્યો હતો. LCBએ ફૂલ 26.52 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી છે.
વલસાડ LCBના ASI રૂપસિંગ નંદરિયા અને તેમની ટીમ પારડી હાઇવે ઉપર પેટ્રોલિંગમાં હતી.જે દરમિયાન મળેલી એક બાતમીના આધારે એક ટ્રક (નંબર GJ-06-AU-2462)માં ઈલેક્ટ્રીક પંખાઓની આડમાં વિપુલ પ્રમાણમાં દારૂનો જથ્થો લઇ મુંબઈ-અમદાવાદ ટ્રેક ઉપર જઈ રહ્યા હોવાની બાતમી મળી હતી.જે બાતમીના આધારે વલસાડ LCBની ટીમે પારડી શ્રીનાથ હોટલ સામે ટ્રકને અટકાવી ચેક કરતા ટ્રકમાંથી 15 હજાર 900 બોટલ દારૂનો જથ્થો જેની કિંમત 15.66 લાખ અને 180 નંગ પંખા તેમજ ટ્રક અને મોબાઇલ મળી કુલ 26.52 લાખના મુદ્દામાલ સાથે ટ્રકના ચાલક ચંદ્રકેશ ખુશહાલ યાદવને ઝડપી પાડયો હતો અને દારૂનો જથ્થો ભરાવનાર તેમજ દારૂનો જથ્થો મંગાવનાર ઈસમોને વોન્ટેડ જાહેર કરી પારડી પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.


