વલસાડ, 09 જૂન : નગરપાલિકાના પારડીસાંઢપોરમાં જૂના ડ્રેનેજ પ્લાન્ટનું ભંગારના નિકાલ માટે ટેન્ડર બાદ માલ ઉઠાવી રૂ.2.33 લાખનું ચૂકવણું 8 માસથી નહિ થતાં ગેરરીતિની આશંકા વચ્ચે વિવાદ સર્જાયો છે.આ પ્રકરણમાં ડ્રેનેજ ઇજનેર,સમિતિ ચેરમેન અને પાલિકાના મહિલા સભ્યના પતિ વિવાદના ઘેરામાં આવતાં મુદ્દો તપાસનો બન્યો છે.ડ્રેનેજ ઇજનેર દ્વારા ભંગારના વેચાણ બાદની કોઇ કાર્યવાહીની જાણકારી સીઓ કે પ્રમુખને નહિ કરી તે મુદ્દે પણ આશંકા સેવાઇ રહી છે.સીઓએ આ મામલે ડ્રેનેજ ઇજનેરના રિપોર્ટમાં નોંધ કરી ફોજદારી કાર્યવાહીનો આદેશ કર્યો છે.આ પ્રકરણમાં એજન્સીએ ચૂકવણું કરવા સીઓને 5 જૂને પત્ર લખ્યો પરંતું હજી એકાઉન્ટ શાખામાં નાણાં જમા થયા ન હોવાનું જાણવા મળ્યું છે.સપ્ટેમ્બર 2019માં પાલિકાની ડ્રેનેજ સમિતિએ પારડીસાંઢપોરના જર્જરિત ડ્રેનેજ પ્લાન્ટનો ભંગાર વેચવાનો ઠરાવ કરી ટેન્ડર બહાર પાડ્યું હતું.જેમાં સીઓ અને પ્રમુખે વર્કઓર્ડર આપ્યા બાદ વાપીની આમીર ટ્રેડર્સ નામના ભંગારના કોન્ટ્રાકટરને ભંગાર ઉપાડવાનું કામ સોંપાયું હતું. પ્રતિકિલો રૂ.24ના ભાવે 9 હજાર કિલો ભંગારના રૂ.2.33 લાખ ચૂકવવાના હતા. આમાં ડ્રેનેજ ચેરમેન રાજેશ રાઠોડ અને વોર્ડ નં.7 ધોબીતળાવના પાલિકાના મહિલા સભ્યના પતિ સાજીદ (શેરૂ) શેખ વિવાદના ઘેરામાં આવી જતાં મામલો પાલિકા સીઓ જે.યુ.વસાવા સમક્ષ પહોંચ્યો છે.પાલિકા ડ્રેનેજ ઇજનેરના ગોળગોળ રિપોર્ટને જોતાં સીઓ વસાવાએ રિપોર્ટમાં આ મામલે કડક કાર્યવાહી કરવાની નોંધ કરી છે.
ઇજનેરની પોતાની દૈનિક કામગીરીમાં ચૂક નેજ ઇજનેરના રિપોર્ટમાં પોતાની જવાબદારી શું હતી તેનો છેદ ઉડાવી દીધો હતો.તેમણે આ અંગે પાલિકા પ્રમુખને જાણ હતી તેવું જણાવી તેમને વિવાદમાં ઘસેડવાનો પ્રયાસ કર્યો હોવાનું જણાયું છે.ઉપરાંત ડ્રેનેજ વિભાગના ઇજનરે રિપોર્ટમાં જણાવ્યા મુજબ ડ્રેનેજ ચેરમેને તેમને આ કામગીરી તેઓ સંભાળી લેશે તેવું જણાવી દીધું હતું.જેને લઇ ઇજનેરે પોતાની દૈનિક કામગીરીની જવાબદારી નિભાવવામાં ચૂક કરી હોવાનું સપાટી પર આવ્યું છે.જો કે ભંગારના નાણાં હજી ન ભરાતાં મામલો ઘેરા વિવાદમાં પડ્યો છે.
ઇજનેરે લાંબા સમયથી જાણ ન કરી 10 મહિનાથી પેમેન્ટ થયું નહિ તે જોવાની જવાબદારી ડ્રેનેજ ઇજનેરની હતી,તેની કોઇપણ પ્રકારની જાણકારી આજદિન સુધી પ્રમુખ તરીકે તેમને કે સીઓને કેમ ન કરાઇ તે પ્રશ્ન છે.હવે ઇજનેર રિપોર્ટમાં કહે છે કે ડ્રેનેજ ચેરમેને ભંગારના નિકાલ માટેની કામગીરી તેઓ સંભાળી લેશે તેવું કહ્યું હતું,જેથી તેમની ગેરહાજરીમાં ચેરમેને વહીવટી પ્રક્રિયા પૂરી કર્યા વિના ભંગાર એજન્સીને આપી દીધો હતો.જેમાં સીઓએ કડક કાર્યવાહી કરવાની નોંધ કરી દીધી છે. – પંકજ આહિર,પ્રમુખ


