વલસાડ, 08 જૂન : કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અનલોક-1માં 8 જૂન સોમવારથી શરતોને આધિન ધાર્મિક સ્થળો,હોટલો,ગેસ્ટ હાઉસ (હોસ્પિટાલિટી યુનિટ),રેસ્ટોરન્ટ્સ અને મોલ્સ શરૂ કરવા માટેલ ગાઇડલાઇન જારી કરી છે.જેમાં કોવિડ-19થી સુરક્ષિત રહેવા માટે દર્શાવેલા નિયમોનું ચૂસ્ત પાલન કરવા તાકીદ કરવામાં આવી છે.કેન્દ્ર અને રાજ્ય સરકારે આ એકમો,ધાર્મિક સ્થળો ચાલૂ કરવા અંગેની ગાઇડલાઇનનો અમલ કરાવવા જિલ્લા વહીવટી તંત્ર, પાલિકા સીઓ,મામલતદાર અને પોલિસ વિભાગને અધિકૃત કરવામાં આવ્યા છે.
હોટલ રેસ્ટોરન્ટના માલિકોએ ખાસ ધ્યાન રાખવાનું રહેશે.વલસાડ કલેકટર કચેરી ખાતે આ અંગે વલસાડના હોટલ સંચાલકો સાથે સીઓ જે.યુ.વસાવા,મામલતદાર મનસુખભાઇ વસાવા અને સિટીના પીઆઇ એચ.જે.ભટ્ટની ઉપસ્થિતિમાં બેઠક કરવામાં આવી હતી.બેઠકમાં શહેર વિસ્તારમાં હોટલ રેસ્ટોરન્ટ સંચાલકોને સરકારે કોવિડ-19ના સંદર્ભે લેવાના તકેદારી અને સાવચેતીના તમામ પગલાંનો અમલ કરવા જણાવ્યુું હતું.મામલતદાર વસાવા તથા પીઆઇ ભટ્ટે પણ નિયમોનો અમલ કરવા પર ભાર મૂક્યો હતો.જિલ્લા કલેકટર આર.આર.રાવલે શનિવારે પણ આદેશો જારી કરી તમામ નિયમોનો અમલ કરાવવા હોટલ સંચાલકોને તાકીદ કરી હતી.65 વર્ષથી ઉપરના વડીલો,સગર્ભા મહિલાઓ,10 વર્ષથી નીચેની વયના બાળકોને આવશ્યક હેતુ સિવાય ઘરમાં જ રહેવાની સૂચના અપાઇ છે.જેનો હોટલ રેસ્ટોરન્ટના માલિકોએ ખાસ ધ્યાન રાખવાનું રહેશે.વાપીની હોટલના સંચાલકોએ કહ્યું કે,સરકારી ગાઈડલાઈનનો બરાબર અભ્યાસ કર્યા પછી જ હોટલને સંપૂર્ણ ચાલુ કરી દેવાશે.હાલ તો અગાઉના મુજબ ગ્રાહકોને જમવાનું માત્ર પાર્સલ સેવા ઉપલબ્ધ કરાવવામાં આવશે.તો બીજી તરફ કેટલીક હોટલમાં સામાજિક દૂરી સાથે અને સરકારના નિયમો મુજબ હોટલ રાબેતા મુજબ ચાલુ કરાશે.જિલ્લાના 250થી વધુ હોટલો સોમવારથી ધમધમતી થઈ રહી છે. આ ઉપરાંત શોપિંગ મોલ પણ ખુલ્લી જશે.
હોટલો ગેસ્ટહાઉસો રેસ્ટોરન્ટો માટે આ માર્ગદર્શિકાઓનો અમલ કરવો પડશે. રિસેપ્શન ટેબલ પર સેનિટાઇઝર,ગ્રાહકો,મહેમાનોની તમામ વિગતોને રજિસ્ટરમાં નોંધણી, વેઇટરો, સ્ટાફે ફરજિયાત હેન્ડગ્લોવ્ઝ, માસ્ક પહેરવા, ગ્રાહકો, સ્ટાફે સોશ્યિલ ડિસ્ટેન્સિંગ (6 ફુટનું અંતર જાળવવું),માસ્ક, ફેસકવર, હેન્ડ વોશ, સેનેટરાઇઝિંગ ફરજિયાત, માંદગી અંગે સેલ્ફ મોનિટરિંગ, ગમે ત્યાં થૂંકવા પ્રતિબંધ, આરોગ્ય સેતુ એપ ડાઇનલોડ કરવી, થર્મલ સ્ક્રિનિંગ, પ્રવેશદ્વારે સેનિટરાઇઝર ડિસ્પેન્સર મૂકવું,સ્ટાફે હેન્ડ ગ્લોવ્ઝ પહેરવા અને ગ્રાહકોને,સ્ટાફને ઉપલબ્ધ થાય તેવી વ્યવસ્થા કરવી ,હોટલ,ગેસ્ટહાઉસ,રેસ્ટોરન્ટના કર્મીઓ હાઇ રિસ્ક પર હોવાથી ખાસ કાળજી લેવી,આઉટ અને ઇનની અલગ વ્યવસ્થા,ગેસ્ટ માટે ટ્રાવેલ હિસ્ટ્રી,મેડિકલ કન્ડિશન,આઇડી પ્રુફ,સેલ્ફ ડિકલેરેશન જરૂરી,કોવિડ-19થી સુરક્ષિત રહેવાની ગાઇડલાઇનના પોસ્ટર,ડિજિટલ પેમેન્ટ,ગેસ્ટહાઉસમાં ગ્રાહકોના સામાન ડિસઇન્ફેક્ટ કરવો, ક્યુ મેનેજમેન્ટ કરવું.


