– LCBએ છેતરપિંડી કરવા બાબતે ડુંગરી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી
વલસાડ : વલસાડ LCBની ટીમે વલસાડના કુંડી હાઇવે પાસેથી પસાર થતી ઇનોવાને શંકાના આધારે અટકાવી કારમાં તપાસ હાથ ધરી હતી.ઇનોવા કારમાંથી ઉત્તર પ્રદેશ પાસિંગની તૂટેલી હાલતમાં નંબર પ્લેટ મળી આવી હતી.ઉપરાંત ઇનોવામાં નવસારી પાસિંગની નંબર પ્લેટ લગાડવામાં આવી હતી.LCBએ વલસાડના અબ્રામા વિસ્તારના ચાલક સામે છેતરપિંડી કરવા બાબતે ડુંગરી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
વલસાડ LCBની ટીમે વલસાડ નજીકના કુંડી હાઇવે પાસે વાહન ચેકીંગ ધરવામાં આવ્યું હતું.વાહન ચેકીંગ દરમિયાન. ASI રૂપસિંગ નંદરિયાને સુરત તરફ જઈ રહેલ ઇનોવા કાર (નંબર GJ-21-CB-7718)ને અટકાવી ચેક કરતા ઇનોવા કારમાંથી UP-16-AT-6940ની એક તૂટેલી હાલતમાં નંબર પ્લેટ મળી આવી હતી.જેથી કાર ચાલક નિમેષ લહેરી ગોસ્વામીની પ્રાથમિક પૂછપરજ કરી હતી. LCBએ હાથ ધારેલી તપાસમાં ઇનોવા કારમાં લગાડવામાં આવેલ નંબર પ્લેટ GJ-21-CB-7718 વેગન આર કારનો હોવાનું જાણવા મળ્યું હતું.
LCBની ટીમે કાર ચાલક નિમેષ ગોસ્વામીની પૂછપરજ કરતા તેણે ઇનોવા કાર એક માસ અગાઉ અમદાવાદ ખાતેથી ખરીદી હોવાની અને તેનું નવસારીની RTO કચેરીમાં પાસિંગ કરવા જવાનું હોય,જેથી નવસારી પાસિંગની નંબર પ્લેટ ફીટ કરી હોવાની કબૂલાત કરી હતી.ઇનોવા કાર ચાલક નિમેષ ગોસ્વામીએ ઇનોવામાં બોગસ નંબર પ્લેટ લગાડી તેનો સાચા નંબર તરીકે ઉપયોગ કરી છેતરપિંડી કરી હોવાની LCBએ ડુંગરી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


