અમદાવાદ, તા. 02 મે 2022, સોમવાર : વસ્તી ગણતરી ખાતાની ક્રેડીટ સોસાયટી ફડચામાં જતા પિતાએ રોકેલા રૂપિયા પરત લેવા પુત્રે પૂર્વ હોદ્દેદાર પર હુમલો કર્યો હતો.યુવકે પૈસા આપી દેજો નહીં તો જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી હતી.પાલડીના રાજનગર વિસ્તારમાં રવિવારે સવારે બનેલી ઘટના અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પાલડી રાજનગર ચાર રસ્તા પાસે વિતરાગ એપાર્ટમેન્ટમાં રહેતાં ઉમેશચંદ્ર સુબોધચંદ્ર શાહે પાલડીના મહેન્દ્રસિંહ રાઠોડ વિરૂધ્ધ પોલીસ ફરિયાદ કરી છે.જે મુજબ ફરિયાદી 1980ની સાલમાં વસ્તી ગણતરી ખાતામાં ગૃહમંત્રાલય સેકટર 10 ગાંધીનગર ખાતે ફરજ બજાવતા હતા.દરમિયાન 1992માં ફરિયાદી ઉમેશચંદ્ર ગુજરાત સેન્સર્સ એમ્પ્લોય કો.ઓ.ક્રેડીટ સોસાયટીના સભ્ય બન્યા હતા.આ જ સોસાયટીમાં 2001-2002ની સાલમાં ફરિયાદી હોદ્દેદાર પણ રહી ચૂક્યા છે.તે સમયે જ વસ્તી ગણતરી ખાતામાં ફરજ બજાવતા કર્મચારી જે.એમ.રાઠોડે રૂ.1.50 લાખની એફડી કરાવી હતી.
2011માં સહકારી મંડળી જિલ્લા રજીસ્ટારમાં ઉમેશચંદ્ર સહિતના લોકો સામે ફરિયાદ થઈ હતી.જે અંગે ઇન્કવાયરી થતા ઉમેશચંદ્રને ખાતા તરફથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. દરમિયાન રવિવારે સવારે રાજનગર ચાર રસ્તા પાસે દૂધ લેવા ફરિયાદી ગયા હતા.તે સમયે દુકાન પર જે.એમ.રાઠોડનો પુત્ર મહેન્દ્રસિંહ આવ્યો હતો.મહેન્દ્રસિંહે મારા પિતાએ મંડળીમાં એફડી કરી હતી.તે દોઢ લાખ રૂપિયા ક્યારે આપશો તેમ કહેતા ફરિયાદીએ ક્રેડીટ સોસાયટી ફડચામાં ગયાનું અને પોતે નિવૃત્ત થઈ ગયા હોવાનું જણાવ્યું હતું.મહેન્દ્રસિંહે તમે જે સમયે હોદ્દેદાર હતા, તે સમયે મારા પિતાએ એફડી કરાવી હતી.આથી રૂપિયા તમારે જ આપવા પડશે.બાદમાં ઉશ્કેરાયેલા મહેન્દ્રએ અપશબ્દો બોલવાનું શરૂ કરી સાયકલના કેરિયર પર પડેલ હથિયારથી ઉપેન્દ્રભાઈ પર હુમલો કર્યો હતો.મહેન્દ્રએ જતા જતા ધમકી આપી કે, પૈસા આપી દેજો નહીં તો જાનથી મારી નાંખીશ.