રાજ્યના અલગ-અલગ શહેરોમાં ઈંડા અને માંસ-મટનની લારીઓ જાહેરમાં ઉભી રાખવા પર પ્રતિબંધ લગાવવામાં આવી રહ્યો છે.રાજકોટ,જૂનાગઢ,અમદાવાદ અને ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.મહાનગરપાલિકાઓના આ નિર્ણયથી ફૂથપાથ પર લારી રાખીને રોજીરોટી મેળવતા લોકોમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે.તો બીજી તરફ આ મુદ્દે રાજકારણ પણ શરૂ થયું છે.ત્યારે ઈંડા અને માંસ-મટનનું વેચાણ કરતી લારી પર પ્રતિબંધ મૂકવાની વાત વચ્ચે એક ફોટો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.
આ ફોટો ભાજપના કેન્દ્રીયમંત્રી દર્શના જરદોશ અને કેન્દ્રીયમંત્રી સ્મૃતિ ઈરાનીનો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ ફોટો જ્યારે સ્મૃતિ ઈરાની સુરતમાં આવ્યા હતા ત્યારનો છે.તે સમયે કેન્દ્રીયમંત્રી દર્શના જરદોશ સુરતની ખાસ વખણાતી આમલેટ ખાવા માટે મંત્રી સ્મૃતિ ઈરાનીને લઇ ગયા હતા.તે સમયે લેવામાં આવેલી તસ્વીર જોઈને લોકોને આનંદ થયો હશે કે સ્મૃતિ ઈરાની મંત્રી હોવા છતાં પણ સામાન્ય જગ્યા પર ઈંડા ખાવા માટે ગયા હતા.પણ હવે આ ફોટો જ મજાકનું કારણ બન્યો છે. અલગ-અલગ શહેરોમાં ઈંડાની લારી પર પ્રતિબંધ લગાવવામાં આવતા એવી સ્થિતિનું નિર્માણ થયું છે કે, તેમને ઈંડા ખાઈને કોઈ અપરાધ કર્યો હતો.
ઈંડાની લારી હટાવવાના નિર્ણય બાબતે એક ઈન્ટરવ્યુંમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, મેં વડોદરા અને રાજકોટમાં સ્થાનિક તંત્રની સાથે વાત કરી છે.તેમને શેરીઓ પરથી નોવવેજની લારીઓ ન હટાવવાનું કહ્યું છે.તેમને વધુમાં જણાવ્યું હતું કે, આ જે તે નેતાઓના અંગત અભિપ્રાય હતા.અમે તેનો અમલ સમગ્ર રાજ્યમાં કરવાના નથી.આ નિર્ણયને પ્રદેશ ભાજપ સાથે કોઈ લેવાદેવા નથી.
તો બીજી તરફ રાજ્યના મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે, ફૂટપાથ પર ધંધો કરવાનો કોઈને પણ અધિકાર નથી.ફૂટપાથ રાહદારીઓ માટે છે.તે એક પ્રકારનું લેન્ડ ગ્રેબિંગ છે. ત્યાં ઉભી રહેતી કોઈ પણ લારી હોય તે વેજની હોય કે નોનવેજની હોય તે લારીને ઉપાડી લેવી જ પડે.મારું સ્પષ્ટ માનવું છે કે, જ્યાં આવી રીતે વેજ અને નોનવેજ બનતું હોય છે ત્યાં તેનો ધુમાડો ઉડતો હોય છે.આ ધુમાડો રાહદારીઓને આંખોમાં લાગતો હોય છે.એટલે આ દબાણ હટાવવું જ પડશે.


