વલસાડ : વાપી તાલુકાના ચીભડકચ્છ ગામના સરપંચ કાર્ટીંગનો ધંધો કરનારા વેપારી પાસેથી ગામમાંથી વાહનો પસાર કરવા માટે રૂ. 10,000 ની લાંચ લેતા વલસાડ એસીબીના હાથે જળવાઈ જતા ચકચાર મચી ગઈ હતી.વલસાડ એન્ટી કરપ્શન બ્યુરોના સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ ફરિયાદી વાપી તાલુકાના ચીભડકચ્છ ગામે બિલ્ડીંગ મટીરીયલ સપ્લાયનુ કામ કરે છે.તેઓ ટ્રકમાં રેતી કપચી,માટી વિગેરે ઓર્ડર મુજબનુ ભરી કન્સ્ટ્રકશન સ્થળે પહોંચાડવા સારૂ વાપી તાલુકાના ચીભડકચ્છ ગામમાંથી પસાર થતા હોય છે.જે અંગે ચીભડકચ્છ ગામમાંથી ખાલી તથા ભરેલી ટ્રકો પસાર કરવાના અવેજ પેટે ચીભડકચ્છ ગામનાં સરપંચ કલ્પેશભાઇ પરભુભાઇ પટેલ, રહે. ચીભડકચ્છ ગામ, બજાર ફળીયાએ ફરિયાદી પાસે પ્રથમ રૂા.૧૫,૦૦૦/- ની લાંચની માંગણી કરી હતી અને રકઝકના અંતે રૂા.૧૦,૦૦૦/- આપવાનું નક્કી કર્યું હતું.જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય,ફરીયાદીએ એ.સી.બી.નો સંપર્ક કરી ફરીયાદ આપતાં મદદનીશ નિયામક એ.કે.ચૌહાણનાં સુપરવિઝન હેઠળ કે.આર.સક્સેના,પોલીસ ઇન્સ્પેકટર,વલસાડ અને ડાંગ એ.સી.બી. પો.સ્ટે. તથા સ્ટાફ દ્વારા આજરોજ લાંચના છટકાનું આયોજન કર્યુ હતું.જેમાં કરવડ ગામ,વાપી મોટાપોંઢા રોડ,તંબાડી ફાટક પાસે આવેલી રમેશભાઇ રમણભાઇ હળપતિની રાજેશ વડાપાંઉ સેન્ટરની દુકાનની અંદર ફરિયાદી પાસેથી રૂા.૧૦,૦૦૦/-ની લાંચ સ્વીકારી સ્થળ પર પકડાઇ જતાં ચકચાર મચી ગઇ હતી.