વલસાડ, 21 મે : વાપી GIDC માં ફેઝ-2માં આવેલી મીરા એક્રેલીક કંપનીમાં ગુરુવારે સવારે ભીષણ આગ ભભૂકી ઉઠી હતી.આગની જાણ ફાયર વિભાગને કરતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવા પાણીનો મારો ચલાવ્યો હતો.આગને કારણે કંપનીમાં મોટું નુકસાન થયું છે. પરંતુ જાનહાની ટળી છે.વાપી GIDC વિસ્તારમાં આવેલ મીરા એક્રેલીક કંપનીમાં ગુરુવારે અગમ્ય કારણોસર આગ લાગી હતી.કંપનીમાં આગ લાગવાની ઘટના બનતા તાત્કાલિક વાપી નોટિફાઇડ અને વાપી નગરપાલિકાના ફાયરને જાણ કરવામાં આવી હતી.આગના કારણે ધુમાડાના ગોટેગોટા આકાશ તરફ ઉઠ્યા હતાં.
જેને જોઈને આગના વિકરાળ સ્વરૂપનું અનુમાન આસપાસના લોકોએ વ્યક્ત કરી ગભરાટ અનુભવ્યો હતો.આગને બુઝાવવા માટે ફાયરના 5 જેટલા બમ્બા મંગાવવામાં આવ્યાં હતાં.ફાયર ફાયટરોએ આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવા તમામ પ્રયાસો હાથ ધર્યા હતાં.આ દરમ્યાન આગને કારણે કંપનીમાં મોટું નુકસાન થયું હતું.જો કે,આગમાં જાનહાની ટળી હતી.


