વલસાડ,06 : વાપીમાં કોરોના બેકાબુુ બન્યો છે. જેને અટકાવવાના પ્રયાસો તાજેતરમાં તેજ થયાં છે.જિલ્લા આરોગ્ય અધિકારીએ રવિવારે વાપીના વિવિધ વિસ્તારોની મુલાકાત લીધી હતી. આરોગ્ય અધિકારીએ જણાવ્યુ હતું કે વાપીમાં તાવ,શરદી,ખાંસીના દર્દીઓનો ગુરૂવારથી સરવે હાથ ધરાયો છે.250 જેટલી ટીમો વાપીમાં આ કામગીરી કરી રહી છે. કોરોનાના કેસો અટકાવવા સરકારની ગાઇડલાઇનના પાલન માટે પણ સૂચનો કરવામાં આવ્યાં છે.
વાપીમાં સરેરાશ 8થી 10 કેસ રોજના આવી રહ્યાં છે. વાપીમાં કોરોનાના કેસો ઝડપથી વધી રહ્યાં છે. જિલ્લામાં અન્ય તાલુકાની સરખામણીએ સૌથી વધારે કેસો વાપીમાં નોંધાઇ રહ્યાં છે.કંપનીના કામદારો અને કર્મચારીઓ સૌથી વધારે સંક્રમિત થઇ રહ્યાં છે.વાપી તાલુકામાં કોરોનાના કેસો અટકાવવા તંત્રએ કામગીરી શરૂ કરી છે. રવિવારે સીડીએચઓ અનિલ પટેલે વાપીની મુલાકાત લીધી હતી.તાવ,શરદી,ઉધરસ સહિતના લક્ષણોવાળા દર્દીઓનો સરવે કરશે.આ ટીમો અર્બન વિસ્તારમાં કામગીરી કરી રહી છે.માસ્ક ન પહેરતાં લોકો સામે પોલીસ કાર્યવાહી કરી છે. કોરોનાને અટકાવવા તમામ પ્રયાસો ચાલી રહ્યાં છે.લોકોએ આ માટે તંત્રને સહયોગ આપવો જોઇએ.વાપીમાં સતત 8થી 10 સરેરાશ કોરોનાના કેસો આવવાથી આગામી દિવસોમાં સ્થિતિ હજુ વધુ ખરાબ થશે.
વાપીમાં સંઘપ્રદેશ અને અન્ય જિલ્લાના લોકો રોજના આવી રહ્યાં છે. જેના પરિણામે કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યુ છે.બહારથી આવતાં લોકોનું આરોગ્ય તપાસ પણ કરવામાં આવતી નથી.તાવ અને શરદીવાળા દર્દીઓના સેમ્પલો લેવામાં વિલંબ થઇ રહ્યો છે.જેના કારણે કોરોના પોઝિટિવ કેસ આવવા પહેલા ઘણાં લોકો તેના સંપર્કમાં આવવાથી અન્ય દર્દીઓ પણ કોરોના પોઝિટિવ આવી રહયાં છે. આ માટે આરોગ્ય વિભાગ ગંભીરતા દાખવે તે જરૂરી છે.