વલસાડ, 07 જુલાઇ : વાપી જીઆઇડીસી હોવાથી છેલ્લા ઘણાં વર્ષોથી ઠેરઠેર ભંગારના ગોડાઉનો રાખી ભંગારીયાઓ કેમિકલ યુક્ત પદાર્થો લઇ આવી ખુલ્લા પ્લોટમાં સળગાવતા હોય છે.જેને લઇ અનેક વાર આગની ઘટના પણ બની ચૂકી છે.કેટલાક ગોડાઉનો રહેણાંક વિસ્તારમાં હોવાથી લોકોએ ઘર ખાલી કરીને ભાગવાનો વારો આવે છે.વાપી જીપીસીબીમાં મદદનિશ પર્યાવરણ ઇજનેર તરીકે ફરજ બજાવતા જૈમિન ચંદ્રકાન્ત રાણાએ શનિવારે ડુંગરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે,10 ડિસેમ્બર 2019થી બે દિવસ સુધી સવારે 10.30થી સાંજના 5 વાગ્યા સુધી અન્ય અધિકારીઓ સાથે કરવડ નવીનગરીમાં આવેલ ખુલ્લા પ્લોટ ઉપર વિઝિટમાં હતા.
ત્યારે ઘણાં બધા ખુલ્લા પ્લોટમાં ભંગારીયા પ્રવૃત્તિ કરનાર ઇસમો દ્વારા જાહેર લોકોની જીંદગી જોખમાય તે રીતે બિનઉપયોગી પ્લાસ્ટિક,કોટન,લાકડા વિગેરે સળગાવી ત્રાસદાયક કૃત્ય કરી ઝેરી પદાર્થ અંગે બેદરકારી ભર્યું આચરણ કરી હવા ઉજાસ તંદુરસ્તીને નુકસાન કરતા જોવા મળ્યા હતા.જેથી કરવડ ગ્રામપંચાયતની હદમાં આવેલ પ્લોટો અને ડુંગરા નગરપાલિકાની હદમાં આવેલ ડુંગરીફળિયાના પ્લોટની માહિતી મેળવી ફરીવાર 1 જુલાઇ 2020ના રોજ વિઝિટ કરતા અજાણ્યા ઇસમો આ કૃત્ય કરતા નજરે ચઢ્યા હતા.જોકે અધિકારીઓને જોઇ તેઓ નાસી ગયા હતા.અલગ અલગ પ્લોટમાં ગોડાઉન ધરાવી ગેરકાયદે પ્રવૃત્તિ ધરાવનારા આ તમામ સામે જીપીસીબીએ ફરિયાદ નોંધાવી છે.


