– સભ્યએ નાક દબાવીને કામગીરી ન કરવાનું સીઓને કહેતા સભામાં સન્નાટો છવાઇ ગયો હતો
– વોર્ડમાં બંધ સ્ટ્રીટ લાઇટો,રસ્તા,ડ્રેનેજ અને સફાઇની કામગીરી બાબતે સભ્યોએ ફરી બળાપો ઠાલવ્યો
– ચૂંટણી પહેલાના બજેટમાં ભાજપના સભ્યો અને વિપક્ષના સભ્યોએ ચર્ચા કરવામાં રસ ન દાખવ્યો
વાપી : વાપી પાલિકાના સભાખંડમાં ગુરૂવારે પાલિકા પ્રમુખ વિઠ્ઠલ પટેલની અધ્યક્ષતામાં સામાન્ય સભા મળી હતી.સભામાં સબ વેની કામગીરી અંગે પ્રમુખે જણાવ્યુ હતુ કે 6.91 કરોડના ખર્ચે પાલિકાએ રેલવે વિભાગને કામગીરી સોંપી દીધી છે.ટેન્ડરિંગ સાથે ફેબ્રુઆરીમાં કામગીરીનો પ્રારંભ થશે.જયારે સરકારના પરિપત્ર મુજબ સફાઇ કામદારોની 50 ટકા ખાલી જગ્યાની ભરતી કરવા અંગે સ્થાનિક અને પાલિકામાં કામ કરતાં કર્મીઓને પ્રાધાન્ય આપવાનું નકકી કરાયુ હતું.પાલિકા સભ્ય જીગ્નેશ શાહે હરિયા પાર્કમાં પાલિકામાં આવતી બંધ લાઇટોની સભામાં ચર્ચા થાય છે પછી કોઇ કામગીરી ન થતી હોવાનુ જણાવ્યુ હતું.ડુંગરાના સભ્ય બબલુભાઇએ સફાઇના કામદારો સમયસર ન આવતાં રોડ પર કચરો ફેંકાતો હોવાની ફરિયાદ કરી હતી
જીતુભાઇ દેસાઇએ ગાર્ડનો ફરી શરૂ કરવા તથા રોડના કામો થતાં હોય ત્યાં ફરી રોડ ખોદવામાં આવે છે તેવું ન થાય તે જરૂરી છે.આ સભામાં પાલિકા પ્રમુખે 2020-2021નું સુધારેલ બજેટ તથા 2020-2021નું કુલ 160 કરોડનું બજેટ રજુ કર્યુ હતું.જેની કોઇ પણ જાતની ચર્ચા વગર 18.50 કરોડની પુરાંત, 84.18 કરોડની આવક અને 141 કરોડના ખર્ચ દશાવતાંમ બજેટને બહાલી અપાઇ હતી.પાલિકાના સભ્યોએ લાઇટ,પાણી,સફાઇના પ્રશ્નોને લઇ પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરને ભીંસમાં લીધા હતાં.
પાલિકાના બાંધકામ સમિતિના ચેરમેન અશોક પટેલે ડુંગરી ફળિયાના રોડ અંગે જણાવ્યુ હતુ કે બાંધકામ ચેરમેન હોવા છતાં કોઇ કામગીરી થઇ નથી.જયારે પાલિકા સભ્ય અને વલસાડ જિલ્લા ભાજપ મહામંત્રી શિલ્પેશ દેસાઇએ જણાવ્યુ હતુ કે શાકભાજી માર્કેટ નાઝાબાઇ રોડ અંગે રજૂઆત બાદ પણ કોઇ કામગીરી થઇ નથી.પાલિકા પ્રમુખે આ પ્રશ્ન ધ્યાને લેવાશે એવુ જણાવ્યુ હતું.
દબાણ અંગે વિવાદ ઉઠયો
સિનિયર સભ્ય નરેન્દ્ર પટેલે સભામાં ચીફ ઓફિસરને જણાવ્યુ હતુ કે વાપી-કોપરલી રોડ પર નાક દબાવીને કામગીરી કરવી યોગ્ય નથી,ચૂંટાઇયેલા સભ્યોને જાણ કરીને કામગીરી કરવામાં આવે તો સરળતાથી પ્રશ્ન હલ થઇ જશે.સીઓએ જણાવ્યુ હતુ કે નોટિશ અલગ પ્રકરણમાં અપાઇ છે.
વાપીવાસીઓ માટે બજેટમાં શું જાહેરાત થઇ?
1. વાપીમાં ફેબ્રુઆરીમાં સિટી બસ શરૂ થશે: સિટી બસ સેવાની તમામ કામગીરી પૂર્ણ થઇ ચુકી છે.પૂર્વમાં 4 અને પશ્રિમમાં 2 સિટી બસો દોડશે. 50 ટકા ગ્રાન્ટ નોટિફાઇડ આપશે. ફેબ્રુઆરીમાં સિટી બસનો વિધિવત પ્રારંભ થશે.
2. રીંગરોડનો પ્રોજેકટ પૂર્ણ થશે: 5 કરોડના ખર્ચે નવા રલેવે અંડરબ્રિજથી રોફેલ કોલેજ સુધી રીંગરોડમાં જમીન માટે ચાલતો વિવાદ પણ ઉકેલાય ગયો છે.જેથી રીંગરોડને થોડા સમયમાં લોકો માટે ખુલ્લો મુકી શકાશે.
3. ડુંગરા-સુલપડમાં નવો ફિલ્ટરેશન પ્લાન્ટ : ડુંગરા-સુલપડના લોકોને પાણી માટે દાદરી મોરા ફળિયા રોડ પર જમીનમાં ફિલ્ટરેશન પ્લાન્ટ માટે સરકારમાં દરખાસ્ત કરી છે. મંજુરી બાદ આ ફિલ્ટરેશન પ્લાન્ટ કાર્યરત થશે.
160 કરોડના બજેટમાં આવક- ખર્ચાઓ..
મહત્વની આવક
– મ્યુનિસિપલ કરવેરા અને ફી
419670000
– ગ્રાન્ટ અને લોનની આવક
369845000
– ડીપોઝીટ,એડવાન્સ લોન
52350000
– મિલકત વેરો
1000000
– મહત્વના ખર્ચાઓ
દીવાબત્તી
55300000
– પાણી પુરવઠા
120200000
– ગટર
20500000
– જાહેર બાંધકામ
145200000
સભામાં ડ્રેનેશ કનેકશનનો મુદો ગાજયો,ફરી બેઠક મળશે
ડ્રેનેજ કનેકશન માટે રહેણાંક વિસ્તારમાં ફલેટદીઠ રૂ.2 હજાર ડીપોઝીટ અને વર્ષે રૂ.600 તથા કોર્મશિયલમાં ડીપોઝીટ રૂ.5 હજાર અને વર્ષે રૂ.1200 ટેકસ લેવાનું નક્કી કરવા અંગે ભાસ્કરે વિસ્તૃત અહેવાલ રજુ કર્યો હતો.સભામાં ડ્રેનેજ કનેકશનના ભાવો અંગે ખુદ શાસક પક્ષના સભ્યોમાં વિરોધ કર્યો હતો. સભ્ય જીગ્નેશ શાહે જણાવ્યુ કોર્મશિયલ 10 દુુકાનો માટે દરેકે કનેકશન લેવાનું કે કેમ તે અંગે પ્રશ્ન ઉઠાવ્યો હતો.તો અન્ય સભ્યોએ ચાલી માટે રાહત આપવાની માગ કરી હતી.વિપક્ષના ખંડુ પટેલે ગટરની કામગીરી અધૂરી હોય કનેકશન શા માટે અપાઇ રહ્યા છે.તેવો સવાલ કરતા પ્રમુખે જણાવ્યું હતુ કે એનજીટીના આદેશ મુજબ એપ્રિલ-મેમાં સમગ્ર પ્રોજેકટ શરૂ થવાનો છે.વિસ્તૃત ચર્ચા બાદ સીઓએ ડ્રેનેજ કનેકશન મામલે જવાબદાર હોદેદારોની ફરી બેઠક બોલાવાશે એવું જણાવ્યુ હતું.


