– શક્તિશાળી વાવાઝોડા બિપરજોયને ધ્યાને રાખી ગુજરાતના દરિયાકિનારાઓ પર તંત્ર હાઈએલર્ટ પર
– વાવાઝોડું જેમ જેમ દરિયાકાંઠાની નજીક આવશે તેમ તેમ પવનની ગતિ અને વરસાદમાં વધારો થશે
અમદાવાદ, તા.15 જૂન-2023, ગુરુવાર : શક્તિશાળી વાવાઝોડા બિપરજોયને ધ્યાને રાખી ગુજરાતના દરિયાકિનારાઓ પર તંત્ર હાઈએલર્ટ પર છે.લોકોના સુરક્ષિત સ્થળે લઈ જવા માટે NDRF અને SDRFની ટીમ પણ ખડેપગે છે,ત્યારે રાજ્યના દરિયાકાંઠાઓ પર જહાજો,ડોર્નિયર અને ચેતક સહિતના વાહનો તૈનાત કરવામાં આવ્યા છે.
ગુજરાતના દરિયાકાંઠાઓ પર ભારતીય કોસ્ટ ગાર્ડની ટીમ તૈનાત
વાવાઝોડા બિપરજોય શક્તિશાળી હોવાથી ભારતીય કોસ્ટ ગાર્ડ પર લોકોના સુરક્ષા માટે પગલાં લઈ રહી છે.ભારતીય કોસ્ટ ગાર્ડના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ એમ.વી.પાઠકે જણાવ્યું કે, ‘અમે બચાવ અને રાહત કાર્ય માટે અમારા જહાજોને બંદર પર તૈનાત કર્યા છે.અમે ગુજરાતમાં અમારા 3 ઓફશોર પેટ્રોલિંગ વાહનો, 4 ઝડપી પેટ્રોલિંગ વાહનો, 8 ઈન્ટરસેપ્ટર બોટ, 3 ડોર્નિયર, 1 ALH તૈયાર છે.દમણમાં 4 ડોર્નિયર, 4 ચેતક અને 1 ALH તૈનાત કરાયા છે.અમે ગુજરાતમાં 23 DRT (ડિઝાસ્ટર રિસ્પોન્સ ટીમ) તૈયાર કરી છે.
વાવાઝોડું રાત્રે 9થી 10 વાગે ટકરાવાની સંભાવના
ઉલ્લેખનિય છે કે, વાવાઝોડુ સાંજે 4 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધીમાં કચ્છના દરિયા કાંઠે ટકરાવાનું હતું,જોકે હવે તેની સ્પિડમાં ફેરફાર થતાં રાત્રે 9 થી10 વાગ્યા સુધી ટકરાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.વાવાઝોડું જેમ જેમ દરિયાકાંઠાની નજીક આવશે તેમ તેમ પવનની ગતિ અને વરસાદમાં વધારો થશે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર,આ વાવાઝોડું માંડવી અને કરાચી વચ્ચે ટકરાશે. જ્યારે વાવાઝોડું ટકરાશે ત્યારે 140 કિમીની ઝડપે પવન ફૂંકાશે.