અમદાવાદ, તા. 02 મે 2022, સોમવાર : વાસણાની નિલકમલ સોસાયટીના ગેટ પાસે શનિવારે રાત્રે લકવાગ્રસ્ત માનસીક બીમાર યુવક પર અજાણ્યા શખ્સે પાઈપથી હુમલો કર્યો હતો.યુવકને મોં, છાતી અને જમણા હાથના બાવડા પર હુમલાખોરે પાઈપના ફટકા મારતા ઈજાઓ થઈ તેમજ ચાર દાંત પડી ગયા હતા.બનાવ અંગે વાસણા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.જીવરાજપાર્કમાં મલાવ તળાવ પાસે અલકાપુરી સોસાયટીમાં રહેતાં ગીતાબેન ઉદયનભાઈ ભગતે અજાણ્યા શખ્સ વિરૂધ્ધ પુત્ર પર હુમલો કરવા મામલે ફરિયાદ કરી છે. જે મુજબ ગીતાબહેનના લકવાગ્રસ્ત મુકબધીર પુત્ર દર્શન (ઉં,34)ની સારવાર નવરંગપુરામાં ડૉકટર હિમાંશુ દેસાઈને ત્યાં ચાલે છે.દર્શન જમીને શનીવારે રાત્રે 11.15 વાગ્યે ઘરેથી ચાલવા માટે નીકળ્યો હતો.જે રાત્રે 12 વાગ્યે ઘરે પરત ફર્યો ત્યારે તેના મોંમાંથી લોહી નીકળતું હતું.ચાર દાંત પડી ગયા તેમજ જમણા બાવડા અને છાતીમાં ઇજા થઇ હતી.ગીતાબહેને પૂછપરછ કરતા પુત્રે ઇશારાથી તેની પર પાઇપથી હુમલો થયાનું જણાવ્યું હતું.દર્શન માતાને નિલકમલ સોસાયટીના ગેટ પર લઈ ગયો ત્યાં તેની પર હુમલો થયાનું અને હુમલાખોરને જોયેથી પોતે ઓળખી શકે તેમ ઇશારામાં સમજાવ્યું હતું.


