– પોલીસ દ્વારા આરોપી અધિકારીને નજીકની હોસ્પિટલમાં તપાસ માટે લઇ જવામાં આવ્યા હતા
મધ્યપ્રદેશના કટનીથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક પટવારીએ પહેલા એક વ્યક્તિ પાસેથી પાંચ હજાર રૂપિયા લાંચ તરીકે લીધા અને જ્યારે તેને લાગ્યું કે આ તેને પકડવાનું પોલીસનું કાવતરું છે, ત્યારે તેણે તે પૈસા ગળી લીધા હતા.ઘટના બાદ પોલીસ આરોપીને નજીકની હોસ્પિટલમાં લઈ ગઈ જ્યાં ડોક્ટરોએ તેની તપાસ કરી હતી.
પટવારીને પકડવા પોલીસે બનાવ્યો પ્લાન
પોલીસના જણાવ્યા અનુસાર પટવારીએ તેની ખાનગી ઓફિસમાં પાંચ હજાર રૂપિયાની લાંચ લીધી હતી.પરંતુ લાંચ લીધા પછી,તેને સમજાયું કે તે લોકાયુક્ત સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ (SPE) દ્વારા એક કાવતરું હતું,જેથી તેની લાંચ લેવા બદલ ધરપકડ કરી શકાય.આ વાતની જાણ થતા જ પટવારીએ લાંચના તમામ પૈસા ગળી લીધા હતા.
બરખેડા ગામના વ્યક્તિએ કરી હતી ફરિયાદ
પોલીસે જણાવ્યું હતું કે બરખેડા ગામના એક વ્યક્તિએ ફરિયાદ કરી હતી કે પટવારીએ તેની પાસેથી લાંચની માંગણી કરી હતી.આ પછી જ્યારે પટવારીને પૈસા આપ્યા ત્યારે તેને શંકા ગઈ અને તેણે પોલીસ ટીમને જોતા જ પૈસા ગળી લીધા હતા.હાલ પોલીસે આરોપી પટવારી સામે ગુનો નોંધી મામલાની તપાસ શરૂ કરી છે.