– ભુગર્ભ ગટર લાઈન તથા પેવરબ્લોકના નાણાં ચૂકવણીને લઈ માંગી લાંચ
– કામના પૈસા ગ્રામપંચાયત પાસેથી લેવાના હોવાથી ચૂકવણી કરવા લાંચ માંગી
– સરપંચને એસીબીએ રૂ.50,000/-ની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો
હાલ ગામડે-ગામડે લોકો સુધી સુવિધાઓ પહોંચાડવા માટે સરકાર સજ્જ થઈ છે.છેવાડાના ગામડા સુધી પાણી તેમજ ગટર યોજના હાલ પહોંચી ગઈ છે.ત્યારે પાલનપુરના વાસણ(ધાણાધા) ગામમાં ભૂગર્ભ ગટર યોજના અંતર્ગત કામગીરી કરવામાં આવી છે.જેના પૈસા ચૂકવણી કરવા સરપંચે લાંચ માંગતા એસીબીએ રંગેહાથ ઝડપી પાડ્યો છે.છેલ્લા કેટલાક સમયથી લાંચિયા અધિકારીઓ સરપંચ તેમજ આચાર્ય એસીબીના હાથે લાગ્યા હોવાનું સામે આવ્યું છે.ત્યારે આવો જ વધુ એક લાંચિયો સરપંચ એસીબીને હાથે ઝડપાયો છે.મળતી માહિતી પ્રમાણે, એક જાગૃત નાગરિક દ્વારા એસીબીમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે, વાસણ ગ્રામપંચાયતમાં ભુગર્ભ ગટર લાઈન તથા પેવરબ્લોકનું કામ પૂર્ણ કરી તે કામના પૈસા ગ્રામપંચાયત પાસેથી લેવાના હોવાથી તે નાણાંની ચૂકવણી કરવા સરપંચ હીબ્જુરહેમાન મહંમદહનીફ ઢુક્કા, (હોદ્દો-સરપંચ, રહે.વાસણ(ધાણધા), તા.પાલનપુર જી.બનાસકાંઠા)એ લાંચ માંગી હતી. સરપંચે 10 ટકા લેખે રૂ.50,000/-ની લાંચની માંગણી કરી હતી .
જો કે, ફરિયાદી આ લાંચની રકમ આપવા ઈચ્છતો ન હોવાથી પોતાની સમજ મૂજબ આ અંગે ફોન કરી એસીબીને જાણ કરી હતી.ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી.ત્યારબાદ ફરિયાદને આધારે એસીબીની ટીમ દ્વારા છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું.જે દરમિયાન ફરિયાદી પાસે સરપંચને લાંચ સ્વીકારવા માટે ધનિયાણા ચોકડી,અંબાજી હાઇવે,ભોલેનાથ ચા ની કિટલી પર બોલાવવામાં આવ્યો હતો.ફરિયાદી અને સરપંચ વચ્ચે નક્કી કરાયેલા સમય પર એસીબીની ટીમ સમય પહેલા પહોંચીને વોચમાં ગોઠવાઈ ગઈ હતી.થોડા સમય બાદ ફરિયાદી અને સરપંચ પણ નક્કી કરાયેલા સ્થળ પર પહોંચી ગયા હતા.જ્યાં બંન્ને વચ્ચે લાંચને લઈને હેતુલક્ષી વાતચીત કર્યા બાદ સરપંચે ફરિયાદી પાસેથી લાંચની રકમ સ્વીકારી હતી. સરપંચ દ્વારા લાંચની રકમ સ્વીકારતા જ એસીબીની સમગ્ર ટીમ ઘટના સ્થળ પર ત્રાટકી સરપંચ હીબ્જુરહેમાન મહંમદહનીફ ઢુક્કાને રંગેહાથ ઝડપી પાડ્યો હતો.
મહત્વનું છે કે, પોલીસ દ્વારા સરપંચને રંગેહાથ લાંચ લેતા ઝડપી પાડી તેની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ તેની પાસે રહેલી લાંચની રકમ રૂ.50,000/-રીકવર કરી તેના વિરુદ્વ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.