ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં પ્રચાર માટે ત્રણ અસરકારક એવા મુદ્દા છે કે જેના કારણે ભાજપને બેકફુટ પર રહેવું પડે તેમ છે.આ ત્રણેય મુદ્દા વર્તમાન પરિસ્થિતિમાં એક બીજા સાથે જોડાયેલા છે.ખેડૂતોની સમસ્યા,મોંઘવારી અને બેકારી આ ત્રણેય મુદ્દા સામે ભાજપના ઉમેદવારો આક્રમક પ્રચાર કરી શકતા નથી,જેનો ફાયદો વિપક્ષને થઇ રહ્યો છે.
દિલ્હીમાં કૃષિ કાયદાના વિરોધમાં જે કિસાન આંદોલન ચાલી રહ્યું છે તેમાં ગુજરાતમાં ખેડૂતોને પણ હવે સહાનુભૂતિ દેખાઇ રહી છે.રાજ્યના ખેડૂતો પરોક્ષરીતે આંદોલનમાં સહયોગ આપી રહ્યાં છે ત્યારે મતદાન સમયે પણ ભાજપના વિરોધમાં મતદાન કરે તેવો ચોંકાવનારો અણસાર પાર્ટીના આંતરિક સર્વેમાં બહાર આવ્યો છે.ભારતના અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ પેટ્રોલ અને ડીઝલના પ્રતિદિન વધતા જતા ભાવો અને કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની ચૂપકિદી પર મોટા સવાલ ઉભા થયા છે. કોરોના સંક્રમણના સમયે નોકરીયાતોના પગાર ઘટી ગયા છે ત્યારે ટ્રાન્સપોર્ટેશન માટે ઉપયોગી એવા ઇંધણના ખર્ચ લોકોને પોસાય તેમ નથી.પેટ્રોલિયમ પેદાશોમાં ભાવવધારાના કારણે મોંઘવારી પણ માઝા મૂકી રહી છે જેમાં મધ્યમવર્ગ પિસાઇ રહ્યો છે તેથી તેની અવળી અસર મતદાન પર થઇ શકે છે.
કોરોના સંક્રમણના કારણે સંખ્યાબંધ યુવાનો અને નોકરીયાતોએ તેમની નોકરી ગુમાવી છે અને નવી નોકરી મળતી નથી ત્યારે બેકારી વધતી જાય છે. ગુજરાતમાં એક અનુમાન પ્રમાણે 10 લાખથી વધુ લોકોએ તેમની રોજગારી ગુમાવી છે. સરકારની સહાય યોજનાઓ તેમજ વિવિધ પેકેજના લાભો પણ તેમને મળી શક્યા નથી,કારણ કે આર્થિક મદદમાં બેન્કો જોડાયેલી હોવાથી અરજદારોને માત્ર ધક્કા ખાવા પડ્યાં છે. સ્વરોજગાર માટે નિર્ધારિત કરેલી સંખ્યામાં લોન મળી નથી.
સ્થાનિક ચૂંટણીમાં કેન્દ્ર અને પ્રદેશના મોટા ત્રણ મુદ્દાઓને બાદ કરતાં સ્થાનિય કક્ષાએ સરકારની યોજનાઓનો લાભ મળ્યો નથી તેવા પરિવારો દુખી છે.કોઇ ગામ કે શહેરમાં રસ્તાની સુવિધા નથી.કોઇ શહેરમાં લાઇટ અને પાણીના પ્રશ્નો છે.અગાઉની બોડીમાં આવી ચૂકેલા કાઉન્સિલરો અને સભ્યોના ભ્રષ્ટાચાર એટલા મોટા પ્રમાણમાં વ્યાપ્ત છે કે સામાન્ય લોકો મતદાન કરવાથી અળગા રહેવાનું પસંદ કરી રહ્યાં છે.વિકાસની યોજનાઓ માત્ર કાગળ પર ચાલે છે.
કોરોના સંક્રમણ વચ્ચે ઘેરાયેલી સાડા છ કરોડની જનતા માટે સરકારની યોજનાઓના ઇચ્છિત પરિણામો મળી શક્યાં નથી.કેન્દ્ર અને રાજ્યના આર્થિક પેકેજના લાભો મોટાભાગના જરૂરિયાતમંદોને મળી શક્યા નથી.ખાનગી નોકરી કરતાં યુવાનોની રોજી છીનવાઇ છે.નાના શહેરો અને ગ્રામ્ય વિસ્તારમાં બેરોજગારી વચ્ચે આવેલી ચૂંટણી લોકો માટે નિરસ સાબિત થઇ રહી છે.રાજ્યના સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત ઉપરાંત આદિવાસી વિસ્તારની સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીમાં સત્તાધારી પાર્ટી ભાજપના ઉમેદવારો પાસે અસરકારક મુદ્દા રહ્યાં નથી.


